Last Updated on by Sampurna Samachar
વડાપ્રધાન વિદેશ પ્રવાસ બાદ દિલ્હી સરકાર રચાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી ચૂંટણીમાં શાનદાર જીત હાંસલ કર્યા બાદ ભાજપ મુખ્યમંત્રી પસંદ કરવાના પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન પાર્ટી અન્ય રાજ્યોની જેમ દિલ્હીમાં પણ બે નાયબ મુખ્યમંત્રી બનાવવાનો ફોર્મ્યુલા અપનાવશે તેવી અટકળો પણ તેજ થઈ છે. રાજધાનીને ‘મિની ભારત’ના રૂપે દર્શાવવા માટે નવી કેબિનેટમાં બે નાયબ મુખ્યમંત્રી સામેલ કરવાના વિકલ્પ પર ચર્ચા કરવામાં આવી રહી છે.
ભાજપના અમુક નેતાઓનું કહેવું છે કે, દિલ્હી સરકારમાં બે નાયબ મુખ્યમંત્રીના કારણે પાર્ટીને વિવિધ જાતિ, સમુદાય અને પ્રાદેશિક પૃષ્ઠભૂમિના ધારાસભ્યોને સમાવવામાં મદદ મળશે. બે નાયબ મુખ્યમંત્રી બનવાની સંભાવના વધારે છે. કારણ કે, આવું અન્ય અનેક રાજ્યોમાં પણ કરવામાં આવ્યું છે, જ્યાં વિભિન્ન પૃષ્ઠભૂમિના નેતાઓનો સમાવેશ કરવા માટે બે નાયબ મુખ્યમંત્રી બનાવાયા છે. ભાજપ શાસિત મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ આ જ નીતિ અપનાવવામાં આવી છે.
દિલ્હીના ભાજપ નેતાઓનું કહેવું છે કે, આ પ્રસ્તાવ પર રાષ્ટ્રીય નેતૃત્વ વિચાર કરી રહ્યું છે, જે તેના પર અંતિમ ર્નિણય લેશે. આ સિવાય મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓના નામ પર પણ અંતિમ ર્નિણય લેવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ બાદ દિલ્હીમાં સરકાર રચવાની પ્રક્રિયામાં તેજી આવવાની સંભાવના છે. ગૃહના નેતા પસંદ કરવા માટે ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજે તેવી સંભાવના છે.
મુખ્યમંત્રી પદના દાવેદારોમાં અનેક ભાજપ ધારાસભ્યના નામની ચર્ચા છે. તેમાં પરવેશ વર્માનું નામ સામેલ છે, જે નવી દિલ્હી બેઠકથી આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને હરાવી ધારાસભ્ય બન્યા છે. આ સિવાય દિલ્હી ભાજપના પૂર્વ પ્રમુખ વિજેન્દ્ર ગુપ્તા, સતીશ ઉપાધ્યાય અને મનજિંદર સિંહ સિરસા, પવન શર્મા, આશીષ સૂદ, રેખા ગુપ્તા તેમજ શિખા રાય જેવા વરિષ્ઠ નેતા પણ મુખ્યમંત્રી પદની હોડમાં સામેલ છે. પાર્ટી નેતાઓએ કરનેલ સિંહ અને રાજકુમાર ભાટિયા જેવા અમુક નવનિર્મિત ધારાસભ્યોનું નામ પણ લીધા છે, જે મુખ્યમંત્રી પદ માટે સંભવિત દાવેદાર જણાવવામાં આવી રહ્યા છે.