Last Updated on by Sampurna Samachar
નવી સરકારની રચના બાદ કેબિનેટની પ્રથમ બેઠક યોજાઈ
અહેવાલો સાર્વજનિક થશે ત્યારે ઘણા મોટા ખુલાસા સામે આવશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી (DELHI) માં નવી સરકાર બની છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને તેમની કેબિનેટના તમામ મંત્રીઓ પહેલા દિવસથી જ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. જ્યાં શપથ લીધાના થોડા કલાકો બાદ જ CM રેખા ગુપ્તાએ તેમના કેબિનેટની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં દિલ્હી સંબંધિત ઘણા મહત્વપૂર્ણ ર્નિણયો લેવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એવા અધિકારીઓને તેમના મૂળ વિભાગોમાં પાછા મોકલી દીધા છે જેમની અગાઉની સરકાર દ્વારા અન્ય જગ્યાએ નિમણૂક કરવામાં આવી હતી. આ તમામ અધિકારીઓને તેમના મૂળ વિભાગોમાં તાત્કાલિક રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ઘણા અધિકારીઓ અને કર્મચારીઓને અન્ય બોર્ડ કોર્પોરેશનમાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે એક સપ્તાહ પહેલા પૂર્વ સરકાર દ્વારા તમામ વિભાગો પાસેથી કોન્ટ્રાક્ટ અને પર્સનલ સ્ટાફની માહિતી માંગવામાં આવી હતી, હવે તેમને પેરેન્ટ વિભાગમાં પરત ફરવાનું કહેવામાં આવ્યું છે.
દિલ્હીમાં નવી સરકારની રચના બાદ કેબિનેટની પ્રથમ બેઠક યોજાઈ હતી. કેબિનેટની બેઠક બાદ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે દિલ્હી સરકારે ‘આયુષ્માન ભારત’ યોજનાને લાગુ કરવા માટે મંજૂરી આપી દીધી છે. કેગના રિપોર્ટને લઈને પણ મહત્વના ર્નિણયો લેવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે કુલ ૧૪ રિપોર્ટ પેન્ડિંગ છે, જેમાંથી ઘણા રિપોર્ટમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો સામે આવ્યા છે. જ્યારે આ અહેવાલો સાર્વજનિક થશે ત્યારે ઘણા મોટા ખુલાસા સામે આવશે, જે આમ આદમી પાર્ટીની સરકારની કાર્યશૈલી અને વિવિધ વિભાગોમાં થઈ રહેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરશે.
ઉલ્લેખનીય છે કે, રેખા ગુપ્તા સાથે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે તો છ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા. લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ સૌથી પહેલા મુખ્યમંત્રી રેખા ગુપ્તાને શપથ લેવડાવ્યા હતા. આ પછી અનુક્રમે પ્રવેશ વર્મા, આશિષ સૂદ, મનજિંદર સિંહ સિરસા, કપિલ મિશ્રા, પંકજ કુમાર સિંહ અને રવિન્દ્ર ઈન્દ્રરાજ સિંહે શપથ લીધા હતા.