Last Updated on by Sampurna Samachar
દિલ્હી ચૂંટણીમાં આ વખતે ૧.૫૫ કરોડથી વધુ મતદારો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ વિધાનસભા ચૂંટણી લડવા માટે લોકો પાસે મદદ માંગી છે. તેમણે ચૂંટણી લડવા માટે ક્રાઉડ ફંડિંગની જરૂરિયાત દર્શાવતાં જનતાને અપીલ કરી છે કે, મારે ચૂંટણી લડવા માટે રૂ. ૪૦ લાખની જરૂર છે. તમે લોકો રૂ. ૧૦૦ થી માંડી રૂ. ૧૦૦૦ સુધીની મદદ કરી શકો છો. જે અમને ચૂંટણી લડવા મદદ કરશે.
આતિશીએ લોકોને અપીલ કરી છે કે, દિલ્હીના લોકોએ અમને સમર્થન આપ્યું છે. અમે ચૂંટણી લડવા માટે દાન આપ્યું છે. લોકોના નાના-નાના સહયોગથી અમે ચૂંટણી લડવા અને જીતવા મદદ મળી છે. દિલ્હીના સૌથી ગરીબ લોકોએ અમને રૂ.૧૦ થી માંડી રૂ. ૧૦૦ સુધીનું દાન આપ્યું છે. અમને દેશભરની જનતાએ દાન આપી સમર્થન આપ્યું છે.
કેજરીવાલ સરકારે જણાવ્યું કે, આપની પ્રમાણિક રાજનીતિ સકારાત્મક રહી હતી. અમે કોર્પોરેટ કે ધનિકો પાસે મદદ માંગી નથી. સૌથી મોટી સમસ્યા એ છે કે, ઉમેદવાર અને પક્ષ દિગ્ગજો અને ધનિકો પાસેથી ફંડ લે છે અને બાદમાં તેમના માટે કામ કરે છે. કોન્ટ્રાક્ટ રૂપે તેની ચૂકવણી કરે છે. કેજરીવાલ સરકારે લોકો માટે કામ કર્યું છે. અને તે લોકો જ અમને લડવામાં મદદ કરે છે. જો દિગ્ગજો પાસેથી પૈસા લીધા હોત તો અમે મફત વીજ-પાણી, મોહલ્લા ક્લિનિક કે શિક્ષણ આપી શક્યા ન હોત.
દિલ્હીના મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ચૂંટણી લડવા માટે મને રૂ. ૪૦ લાખની જરૂર છે. હું લોકોને અપીલ કરૂ છું કે, તેઓ અમને રૂ. ૧૦૦થી લઈ રૂ. ૧૦૦૦ સુધીનું ફંડ આપી શકે છે. જેનાથી અમે ચૂંટણી લડીશું. એક મુખ્યમંત્રી તરીકે આટલી નાની રકમ ભેગી કરવી અઘરી નથી. પરંતુ અમે ખોટી રીત અપનાવી ફંડ એકત્ર કરવા માગતા નથી. જો અમે ભ્રષ્ટ આચરણ સાથે ફંડ ઉઘરાવ્યું તો, અમારો પાયો ઢળી પડશે.
દિલ્હીમાં ૭૦ વિધાનસભા બેઠકોની ચૂંટણી ૫ ફેબ્રુઆરીએ યોજાશે. જ્યારે પરિણામ ૮ ફેબ્રુઆરીએ રજૂ થશે. સત્તાધીશ આમ આદમી પાર્ટીએ ૨૦૧૫થી ૨૦૨૦ સુધી ચૂંટણીમાં અનુક્રમે ૬૭ અને ૬૨ બેઠકો પર જીત હાંસલ કરી છે. દિલ્હી ચૂંટણીમાં આ વખતે ૧.૫૫ કરોડથી વધુ મતદારો છે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા ૮૩,૪૯,૬૪૫ અને મહિલા મતદારોની સંખ્યા ૭૧,૭૩,૯૫૨ છે.