ક્રિકેટર અભિષેક શર્માને એરપોર્ટ પર થયો ખરાબ અનુભવ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ક્રિકેટર અભિષેક શર્મા સાથે એરલાઇન્સના સ્ટાફ દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોવાનુ સામે આવ્યું છે. જેના કારણે તે પોતાની ફ્લાઇટ ચૂકી ગયો હતો. અભિષેકે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરીને આ અંગે માહિતી શેર કરી હતી.
અભિષેકને તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે રમાનારી પાંચ મેચની T૨૦ સીરિઝ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. અભિષેક રજાઓ માણવા જઈ રહ્યો હતો પરંતુ દિલ્હી એરપોર્ટ પર તે ફ્લાઇટ ચૂકી ગયો હતો. અભિષેકે આ માટે એરલાઇન્સના સ્ટાફને જવાબદાર ઠેરવ્યો છે.
અભિષેકે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી એરલાઇન્સની ટીકા કરતા લખ્યું હતું કે, દિલ્હી એરપોર્ટ પર એરલાઇન્સ સાથે મને સૌથી ખરાબ અનુભવ થયો હતો. સ્ટાફનું વર્તન પણ ખૂબ જ નિરાશાજનક હતું, ખાસ કરીને કાઉન્ટર મેનેજરનું વર્તન ઘણું ખરાબ હતું. હું સમયસર એરપોર્ટ પહોંચી ગયો હતો અને પછી હું સાચા કાઉન્ટર પર ગયો પરંતુ ત્યારે તેમણે મને કોઈ કારણ વગર બીજા કાઉન્ટર પર મોકલી દીધો હતો. બીજા કાઉન્ટર પર મને કહેવામાં આવ્યું કે, અહીં હવે ચેક-ઇન બંધ થઇ ગયું છે અને તેથી જ હું મારી ફ્લાઇટ પકડી શક્યો નહીં. મારી પાસે માત્ર એક જ રજા હતી જે હવે સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે. તેનાથી પણ ખરાબ વાત તો એ છે કે તેમણે મને કોઈ મદદ પણ કરી ન હતી. આજ સુધીની કોઈપણ એરલાઇન્સ સાથેનો આ મારો સૌથી ખરાબ અનુભવ છે. સ્ટાફ મેનેજમેન્ટ સાથેનો પણ સૌથી ખરાબ અનુભવ.’
અભિષેક શર્મા વિજય હજારે ટ્રોફીમાં પંજાબ તરફથી રમી રહ્યો હતો. તેની ટીમ ક્વાર્ટર ફાઇનલમાં મહારાષ્ટ્ર સામે હારી ગઈ હતી. જેના કારણે ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. અભિષેક કદાચ રજાઓ ગાળવા માટે તેના ઘરે જઈ રહ્યો હતો. આ પછી તેને કોલકાતામાં ભારતીય ટીમમાં જાેડાવવાનું હતું. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી T2૦ મેચ ૨૨ જાન્યુઆરીથી રમાશે.