Last Updated on by Sampurna Samachar
મોટા મોટા દાવાઓ કરતી સરકાર આંખ આડા કાન કરી રહી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીની AIIMS ની સુવિધાઓ અંગે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા અને દિલ્હીના મુખ્યમંત્રી આતિશીને પત્ર લખ્યો છે. આ પત્ર મારફત રાહુલ ગાંધીએ દર્દીઓને અને તેના પરિવારજનોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે.
રાહુલ ગાંધીએ પત્રમાં જણાવ્યું કે, મેં છેલ્લા કેટલાક દિવસોથી નોંધ લીધી છે કે, કડકડતી ઠંડીમાં દર્દીના પરિવારજનો મેટ્રો સ્ટેશન નીચે સૂવા મજબૂર છે. તેમના માટે ત્યાં પાણીની કે શૌચાલયની સુવિધા નથી. આસપાસ પણ ગંદકી અને કચરાઓના ઢગલાં જોવા મળી રહ્યા છે.
કોંગ્રેસ નેતાએ પત્રમાં લખ્યું છે કે, આટલી મોટી સંખ્યામાં દર્દીઓ દિલ્હીની AIIMS આવી રહ્યા છે, જે દર્શાવે છે કે, તેમને તેમના નિવાસ સ્થાને સારી, સસ્તી સ્વાસ્થ્ય સેવાઓ મળી રહી નથી. આશા છે કે, મારા પત્રની નોંધ લેતાં દિલ્હીના મુખ્યમંત્રી અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી આ માનવીય સંકટને દૂર કરવા તાત્કાલિક પગલાં લેશે. તેમજ આગામી બજેટમાં પબ્લિક હેલ્થકેર સિસ્ટમને મજબૂત બનાવવા નિર્ણાયક પગલાં ઉપરાંત જરૂરી સંસાધનોમાં પણ વધારો કરશે.
રાહુલ ગાંધીએ આ ભલામણો કરતો પત્ર લખતાં પહેલાં AIIMS અને તેની આસપાસના વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં કૅપ્શન લખી હતી કે, AIIMS ની બહાર નરક, દેશભરમાંથી આવેલા ગરીબ દર્દીઓ અને પરિવાર AIIMS ની બહાર ઠંડી, ગંદકીમાં અને ભૂખ્યા ઊંઘવા મજબૂર છે. તેમની પાસે છત પણ નથી. શૌચાલય અને પાણીની વ્યવસ્થા પણ નથી. મોટા-મોટા દાવાઓ કરતી કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર આ માનવીય સંકટ પર આંખ આડા કાન કરી રહી છે.