Last Updated on by Sampurna Samachar
તિમારપુરથી ધારાસભ્ય દિલીપ પાંડેએ આ વખતે ચૂંટણી નહીં લડવાની વાત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી આ વખતે હાજર ધારાસભ્યોમાંથી ઘણાંની ટિકિટ કાપવા જઈ રહી છે. આ યાદીમાં અનેક મોટા ચહેરા પણ સામેલ થઈ ગયા છે. વિધાનસભા સ્પીકર રામ નિવાસ ગોયલ બાદ હવે દિલીપ પાંડેએ ચૂંટણી મેદાનથી દૂર થવાની ઘોષણા કરી દીધી છે. તિમારપુરથી ધારાસભ્ય દિલીપ પાંડે દિલ્હી સંવાદ પંચના અધ્યક્ષ રહ્યા છે અને વિધાનસભામાં પાર્ટીના ચીફ વ્હિપ છે.
દિલીપ પાંડેએ ‘આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે પોતાની તસવીર શેર કરી આ વખતે ચૂંટણી નહીં લડવાની વાત કરી છે. પાંડેએ લખ્યું, ‘રાજકારણમાં પહેલાં સંગઠન નિર્માણ અને બાદમાં ચૂંટણી લડવાની જવાબદારી નિભાવ્યા બાદ, હવે સમય છે કે, આમ આદમી પાર્ટીમાં રહીને કંઈક નવું કરવાનું. તિમારપુર વિધાનસભા પરથી જે પણ ચૂંટણી લડશે, મુખ્યમંત્રી તો અરવિંદ કેજરીવાલ જ બનશે અને અમે તમામ દિલ્હીવાસી મળીને આ વાતને સુનિશ્ચિત પણ કરીશું. મારા સંબંધોની પૂંજી મારી સાથે રહેશે, એવો મને વિશ્વાસ છે, આપમાંથી કોઈ મારો સંપર્ક કરે તો આ જ વિશ્વાસને વધુ મજબૂત કરે તેવી મારી કામના છે.’
દિલીપ પાંડે જેવા મોટા નેતાઓની પણ ટિકિટ કપાતાં જોઈ પાર્ટીના ધારાસભ્યોમાં બેચેની વધી રહી છે. પાર્ટી પહેલી યાદીમાં જ ત્રણ હાજર ધારાસભ્યોની ટિકિટ કાપી ચૂકી છે.