Last Updated on by Sampurna Samachar
સુરત પોલીસે બેની ધરપકડ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સાયબર ક્રાઇમની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ આધારકાર્ડ ઉપર સીમકાર્ડ એક્ટિવ કરી બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્જેક્શન થયા છે તેવું કહીને સુરતમાં કેટલાક લોકોને સાયબર ફ્રોડ દ્વારા ડિજિટલ ફ્રોડની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે. ત્યારે આ જ પ્રકારના એક ગુનામાં સુરત પોલીસે ગુનો દાખલ કરી બે આરોપીની ધરપકડ કરી હતી. જોકે આ ગુનામાં વધુ ત્રણ આરોપીઓની સુરત સાયબર સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
સાયબરના આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સુરતના વ્યક્તિને આધારકાર્ડ ઉપર સિમકાર્ડ એક્ટીવ થયું છે તથા કેનેરા બેંકમાં એકાઉન્ટ ઓપન થયેલું હોવાનું જણાવી બેંક એકાઉન્ટમાં મોટા પાયે નાણાકીય વ્યવહારો કર્યા છે. મની લોન્ડ્રીંગ અને ફ્રોડ કેસમાં ફરિયાદીની પણ સંડોવણી હોવાનું જણાવી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી બોગસ આઈ કાર્ડ તથા CBI ના બોગસ લેટરો તથા RBI ના નામના બોગસ લેટરો તથા નાણાં મળ્યાની બોગસ રીસીપ્ટો મોકલી અલગ અલગ બેંક એકાઉન્ટોમાં કુલ રૂ. ૧,૭૧,૧૦,૦૦૦/- RTGS થી ટ્રાન્સફર કરાવી ગુનો આચર્યો છે. આ ગુનામાં સુરત પોલીસે મુકેશ હીરાભાઈ પટેલ અને મેહુલ રણછોડભાઈ પટેલની ધરપકડ કરી લીધી હતી.
આરોપીઓની પૂછપરછમાં અન્ય ત્રણ નામ પણ સામે આવ્યા છે. સુરત સાયબર સેલ ટીમ દ્વારા મૂળ બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ચારડા ગામના ડુંગરસિંહ અરજણસિંહ દેવાજી રાજપુત જેમની આ ગુનામાં પોતાનું તથા આરોપી કેસરસિંહ દેવડા નાઓના નામનું SBI નું કરન્ટ બેંક એકાઉન્ટ ટ્રાન્જેક્શનના ૩% કમિશન ઉપર આરોપી રામેશ્વરભાઈ સુથારને આપેલ હતું. આરોપીના બેંક એકાઉન્ટ ઉપર આ સિવાય ગુજરાત-૦૩, કર્ણાટક-૦૭, હરિયાણા-૦૩, મહારાષ્ટ્ર-૦૪, આંધ્રપ્રદેશ-૦૧, બિહાર-૦૧, ચંદીગઢ-૦૧, જમ્મુ કાશ્મીર-૦૧, કેરલા-૦૧, તમિલનાડુ-૦૨, તેલંગણા-૦૨, ઉત્તરપ્રદેશ-૦૨ કુલ- ૨૮ ફરિયાદ છે. ગુનામાં ઉપયોગ થયેલ આ આરોપીઓના SBI ના એકાઉન્ટમાં ફરિયાદીના રૂ. ૬,૧૦,૦૦૦/- ટ્રાન્સફર થયેલ હતા અને આ બેંક એકાઉન્ટમાં કુલ ૬૦,૧૭,૦૧૭/- ટ્રાન્જેક્શનો થયેલા છે તેવું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જ્યારે અન્ય બીજા આરોપી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ચારડા ગામનો વતની કેસરસિંહ મોડસિંહ દેવડા, આ ગુનામાં પોતાનું તથા આરોપી ડુંગરસિંહ રાજપુતના નામનું SBI નું કરન્ટ બેંક એકાઉન્ટ ટ્રાન્જેક્શનના ૩% કમિશન ઉપર આરોપી રામેશ્વરભાઈ સુથારને આપેલુ હતું.
જ્યારે આ ગુનાના ત્રીજા આરોપી બનાસકાંઠાના ધાનેરા જિલ્લાનો જીવાણા ગામનો વતની રામેશ્વરભાઈ પોપટભાઈ ભુરાભાઈ સુથાર હોવાનું સામે આવતા પોલીસે તેની પણ ધરપકડ કરી તપાસ શરૂ કરતા આરોપી ડુંગરસિંહ રાજપુત તથા કેસરસિંહ દેવડાનું SBI નું કરન્ટ બેંક એકાઉન્ટ લઇ તે બેંક એકાઉન્ટ રૂ. ૫૦,૦૦૦/- કમિશન ઉપર આપેલ હતું. આ ગુનાના કામે અલગ અલગ બેંક એકાઉન્ટોમાં રૂ. ૮,૦૦,૦૦૦/- ફ્રીઝ કરાવવામાં આવ્યા છે.