Last Updated on by Sampurna Samachar
હવે ઇમિગ્રન્ટ્સનું કેનેડા પ્રત્યેનું આકર્ષક ઘટી ગયું
કેનેડાએ ઈમિગ્રેશન નીતિ કડક કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે શિક્ષણ પરમિટ મેળવવાની પ્રક્રિયા હવે પહેલાં કરતાં વધુ જટિલ બની ગઈ છે. તાજા ઇમિગ્રેશન આંકડાઓ દર્શાવે છે કે, ઓગસ્ટ ૨૦૨૫ મહિનામાં ભારતીય વિદ્યાર્થીઓની ૭૪ ટકા સ્ટડી વિઝા અરજીઓને નકારવામાં આવી હતી. આ આંકડો બે વર્ષ પહેલાંના દર કરતાં બમણાથી પણ વધારે છે. કેનેડામાં ઘૂસ મારવા માટે કરવામાં આવતી છેતરપિંડીને રોકવા માટે સખત બનાવવામાં આવેલી ઇમિગ્રેશન નીતિને કારણે આમ થયું છે.

એક સમય હતો જ્યારે શિક્ષણ, રોજગાર અને સ્થાયી નિવાસ કરવા ઈચ્છુક વિદેશીઓ માટે કેનેડા સૌથી પસંદગીનું સ્થળ હતું. પરંતુ ઇમિગ્રન્ટ્સના ઓચિંતા વધારા અને સિસ્ટમ પર આવેલા દબાણને કારણે કેનેડાની સરકારે પોતાની નીતિમાં બદલાવ કરવાનું શરૂ કર્યું છે. નીતિઓનો અયોગ્ય લાભ લેવાની ઘટનાઓમાં વધારો થતાં ઇમિગ્રેશન વિભાગે કડક પગલાં લેવાની ફરજ પડી છે. આ બધાં પરિબળોને કારણે હવે ઇમિગ્રન્ટ્સનું કેનેડા પ્રત્યેનું આકર્ષક ઘટી ગયું છે.
અરજદારોના લિસ્ટમાં ભારતીયો જ પહેલા નંબરે
કેનેડા દ્વારા ફક્ત અસ્વીકૃતિનો દર જ નથી વધ્યો, ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા મોકલવામાં આવતી અરજીઓની સંખ્યામાં પણ તીવ્ર ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટ ૨૦૨૩માં ૨૦,૯૦૦ જેટલી અરજીઓ હતી, તે સંખ્યા ઓગસ્ટ ૨૦૨૫માં ઘટીને માત્ર ૪,૫૧૫ રહી ગઈ હતી. આ ઘટાડો સૂચવે છે કે ભારતીય વિદ્યાર્થીઓમાં કેનેડા પ્રત્યેનું આકર્ષણ અને ત્યાં અભ્યાસ કરવાની સંભાવના બંને ઘટી રહી છે. અલબત્ત, હજુ પણ કેનેડાના વિઝા માટેના અરજદારોના લિસ્ટમાં ભારતીયો જ પહેલા નંબરે છે. એ જ રીતે અરજીની અસ્વીકૃતિ પણ સૌથી વધુ ભારતીયો જ પામે છે.
ઇમિગ્રેશન રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડાના અહેવાલ અનુસાર, ઓગસ્ટ ૨૦૨૫માં કેનેડા પહોંચનારા નવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ૨૦૨૪ની સરખામણીમાં ૪૩.૧% નો ઘટાડો થયો છે. આ ફેરફાર માત્ર એક મહિનાનો નથી, પણ એક વ્યાપક ટ્રેન્ડ સૂચવે છે. ઓગસ્ટ ૨૦૨૪માં ૭૯,૭૯૫ નવા વિદ્યાર્થીઓ દાખલ થયા હતા.
જે ઓગસ્ટ ૨૦૨૫માં ઘટીને ૪૫,૩૮૦ થઈ ગયા હતા. જાન્યુઆરીથી ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન ૨૦૨૪ની સરખામણીમાં લગભગ ૧૩૨,૫૦૫ ઓછા વિદ્યાર્થીઓએ કેનેડા પ્રવેશ કર્યો હતો. ૈંઇઝ્રઝ્ર એ ૨૦૨૫ માટે ૩૦૫,૯૦૦ નવા વિદ્યાર્થીઓનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ જાન્યુઆરી અને ઓગસ્ટ વચ્ચે આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર ૨૯.૨૪% હતી.
નવા વર્ક પરમિટ ધારકોની સંખ્યા, એટલે કે જેઓ કામ કરવા માટે કેનેડા આવે છે, તેમની સંખ્યા પણ પ્રભાવિત થઈ છે. ઓગસ્ટ ૨૦૨૫માં નવા વર્ક પરમિટ ધારકોની સંખ્યા ઘટીને ૧૬,૮૯૦ થઈ ગઈ હતી. જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં કુલ ૨૪૩,૯૪૫ વિદ્યાર્થીઓ અને કામચલાઉ કામદારો કેનેડા પહોંચ્યા હતા, જે ગયા વર્ષની સરખામણીમાં ૨૭૮,૯૦૦ જેટલા ઓછા છે.
- નીતિગત પરિવર્તન: કેનેડા સરકારે કામચલાઉ રહેવાસીઓની સંખ્યા કુલ વસ્તીના ૫% થી ઓછી રાખવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
- સખત ચકાસણી પ્રક્રિયા: અરજી પ્રક્રિયા ધીમી પડી છે અને નવા નિયમો હેઠળ દસ્તાવેજાેની ચકાસણી વધુ સખત બનાવવામાં આવી છે.
- છેતરપિંડી વિરુદ્ધ કાર્યવાહી: છેલ્લા એક વર્ષમાં કેનેડિયન અધિકારીઓએ શિક્ષણ ક્ષેત્રે થતી છેતરપિંડી સામે કાર્યવાહી કરવા પર ભાર મૂક્યો છે. ૨૦૨૩માં ૧,૫૫૦ બનાવટી અરજીઓ શોધી કાઢવામાં આવી હતી, જેમાંની મોટાભાગની ભારતીયો દ્વારા કરવામાં આવી હતી. ૨૦૨૪માં શરૂ કરવામાં આવેલી નવી સ્ક્રીનીંગ પ્રણાલીએ વિશ્વભરમાંથી ૧૪,૦૦૦થી વધુ શંકાસ્પદ વિઝા અરજીઓ ઓળખી કાઢી હતી.
- વિદ્યાર્થીઓની પસંદગીમાં ફેરફાર: નિષ્ણાતોનું માનવું છે કે કેનેડાની નીતિઓ કડક થતાં વિદ્યાર્થીઓ હવે અન્ય દેશોમાં જવા માટે ધ્યાન આપી રહ્યા છે, જેના કારણે પણ કેનેડાની વિઝા અરજીઓમાં ઘટાડો થયો છે.