Last Updated on by Sampurna Samachar
ઍક્ટિવા ના આપ્યું તો 2 મિત્રો વચ્ચે ગંભીર વિવાદ
ગણતરીનાં કલાકોમાં હત્યારાઓ પોલીસની ગીરફમાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાવનગર શહેરમાં દિનપ્રતિદિન મારામારી અને હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. સામાન્ય બાબતે ઉશ્કેરાઈ જઈ અસામાજિક તત્વો ગંભીર પ્રકારના ગુનાને અંજામ આપી સામાન્ય પ્રજાજનોમાં ભયનું વાતાવરણ ઊભું કરી રહ્યા છે. મિત્રો વચ્ચે આર્થિક વ્યવહાર સાથે એકબીજાના વાહનો માંગી વાપરવાની પ્રથા વર્ષો જૂની છે. પરંતુ એ પ્રથા કોઈ કારણોસર તૂટે ત્યારે એકબીજા પ્રત્યેનો વ્યવહારિક સંયમ ગુમાવી અમુક લોકો વર્ષોના સંબંધો પર ગંભીર અસરો ઉભી કરતા હોય છે.

આવો જ એક બનાવ શહેરના કુંભારવાડા હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર નજીક બન્યો છે. જેમાં સામાન્ય બાબતે આ વિસ્તારમાં રહેતા ૨૩ વર્ષીય યુવાનની હત્યા કરી દેવામાં આવી છે. કુંભારવાડા વિસ્તારમાં રહેતા સાહિલ જાહીદભાઈ સૈયદ પાસે નદીમ મનસુરભાઇ સોરઠીયાએ કોઈ કામ માટે એક્ટિવા સ્કૂટર માંગ્યું હતું.
તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી
પરંતુ સાહિલ સૈયદે નદીમ સોરઠિયાને સ્કૂટર આપવાની ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી હતી. એક્ટિવા સ્કૂટર આપવાની મનાઈ કરતા નદીમ સોરઠીયા છંછેડાઈ ગયો હતો. જેની દાઝ રાખી નદીમ સોરઠીયાએ અન્ય મિત્રો સલીમ કાસમભાઈ સોરઠીયા, સાહિલ રસુલભાઈ શાહ, શાહનવાઝ સલીમભાઈ સોરઠીયા અને સિદ્દીક સલીમભાઈ સોરઠીયા સહિતને બોલાવી સાહિલ સૈયદ પર છરી, ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.
એટલું જ નહીં ઘર પાસે પાર્ક કરેલા એક્ટિવા સ્કૂટર અને રીક્ષા પર પથ્થરોના ઘા કરી બન્ને વાહનોમાં પણ નુકસાન કર્યુ હતું. આ દરમિયાન સાહિલ સૈયદને ગંભીર ઈજાઓ થતા લોહિયાળ હાલતે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે સાહિલ સૈયદને મૃત જાહેર કર્યો હતો.
મારામારીનો બનાવ હત્યામાં પરિણ્યો હતો. આ ઘટનાને લઈ બોરતળાવ પોલીસે સ્થળ પર જઈ તપાસ હાથ ધરી હતી. તેમજ ગણતરીના કલાકોમાં નદીમ, સલીમ, સાહિલ, શાહનવાઝ અને સાદિક સહિત પાંચેય હત્યારાઓને ઝડપી લીધા હતા. જ્યારબાદ ઝડપાયેલા તમામ આરોપીઓને લઈને પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. તેમજ સમગ્ર બનાવ અંગે રિકન્ટ્રક્શન કરાવ્યું હતું.