Last Updated on by Sampurna Samachar
લખનઉ સુપર જાયન્ટ્સે વીડિયો શેર કરી આપી સ્પષ્ટતા
આ વીડિયોમાં એ જ વાતચીતને બીજા એંગલથી ગોયનકા અને પંતને હસતા અને હળવા અંદાજમાં વાતચીત કરતા જોઈ શકાય છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
લખનઉ સુપર જાયન્ટ્સની હાર બાદ ટીમના માલિક સંજીવ ગોયનકા અને કેપ્ટન ઋષભ પંત વચ્ચેની વાતચીતને લઈને શરૂ થયેલા વિવાદમાં એક નવો વળાંક સામે આવ્યો છે. લખનઉની ટીમે સોશિયલ મીડિયા પર એક નવો વીડિયો શેર કરીને સમગ્ર મામલાની તસવીર સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. આ પહેલા દિલ્હી કેપિટલ્સ સામેની હાર બાદ એક નાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાઈરલ થયો હતો. ક્લિપમાં ગોયનકા અને પંત વચ્ચે ગંભીર વાતચીત થતી દેખાઈ રહી હતી, જેમાં કોચ જસ્ટિન લેંગર પણ સામેલ હતો. ચાહકોએ તરત જ આ વાતને KL રાહુલ સાથે જોડી દીધી. ઘણા લોકોએ આ વાતચીતનું વિવાદ અથવા ઠપકો તરીકે અર્થઘટન કર્યું અને પોત-પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી.

આ મામલે વિવાદ વધતા લખનઉ સુપર જાયન્ટ્સે એક નવો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એ જ વાતચીતને બીજા એંગલથી ગોયનકા અને પંતને હસતા અને હળવા અંદાજમાં વાતચીત કરતા જોઈ શકાય છે.બંને વચ્ચે કોઈ પ્રકારનો તણાવ નથી દેખાઈ રહ્યો, પરંતુ માહોલ એકદમ સામાન્ય લાગતો હતો. વીડિયોના કેપ્શનમાં લખ્યું કે, તમે જે કંઈ પણ જુઓ છો તે હંમેશા સંપૂર્ણ સત્ય નથી હોતું. અહીં મેચ પછીની અનફિલ્ટર ક્ષણો છે, જ્યારે કેમેરા બંધ નથી હોતા.
આ સમગ્ર ઘટનાક્રમે ફરી એક વાર એ સાબિત કરી દીધું કે સોશિયલ મીડિયા પર ઘણીવાર અધૂરી માહિતીના આધારે ધારણાઓ બંધી દેવામાં આવે છે. એક નાની ક્લિપને જોઈને સમગ્ર ઘટનાનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું, પરંતુ જ્યારે સંપૂર્ણ વીડિયો જાેયો ત્યારે સત્ય કંઈક અલગ જ સામે આવ્યું.ટીમે પોતાની પોસ્ટ દ્વારા એ મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે કે, સોશિયલ મીડિયા પર જે કંઈ પણ આપણને બતાવવામાં આવે છે તે બધું જ સત્ય નથી હોતું. આ સ્પષ્ટતા બાદ મામલો ઘણી હદ સુધી શાંત થયો હોય તેવું લાગી રહ્યું છે.