Last Updated on by Sampurna Samachar
DGVCL દ્વારા સ્માર્ટ મીટરની પ્રી-પેઇડ રિચાર્જ સિસ્ટમને મરજિયાત કરી દેવાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઈને હોબાળા થઈ રહ્યા હતા. લોકોએ પ્રી-પેઇડ રિચાર્જ સિસ્ટમને લઈને સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો. જોકે, જનતાની માંગ સામે હવે DGVCL દ્વારા આ સ્માર્ટ મીટરની પ્રી-પેઇડ રિચાર્જ સિસ્ટમને મરજિયાત કરી દેવામાં આવી છે.
DGVCL એ જણાવ્યું કે, જે પણ મીટર માટેની નવી અરજી આવશે તેમજ જ્યાં સોલાર પેનલ લગાવવામાં આવી છે, ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર જ લગાવવાની શરુઆત કરવામાં આવી છે. નોંધનીય છે કે, સ્માર્ટ મીટરમાં પ્રિ-પેઇડ રિચાર્જ સિસ્ટમના કારણે ગ્રાહકો વિરોધ કરી રહ્યા હતા. હવે આ સિસ્ટમને બંધ કરી દેવામાં આવી છે અને જ્યાં સ્માર્ટ મીટર હશે તે તમામને મહિનાના અંતે બિલ ભરવાનું રહેશે. અત્યાર સુધીમાં વીજ કંપનીઓએ ૪૮ હજારથી વધુ સ્માર્ટ મીટર લગાવી દીધા છે. સ્માર્ટ મીટરનો વપરાશ પોતાના ફોનમાં જોઈ શકાશે તેમજ બિલ ઓનલાઇન તેમજ ઓફલાઇન બંને પ્રકારે ભરી શકાશે.
આ અગાઉ સ્માર્ટ મીટરમાં વપરાશ પહેલાં મોબાઇલની જેમ રિચાર્જ કરવાનું રહેતું, ત્યારબાદ લોકો વીજળનો વપરાશ કરી શકતા. સ્માર્ટ મીટરમાં બેલેન્સ પૂરું થયા બાદ અમુક સમય વીજળીનો ઉપયોગ થયા બાદ આપમેળે કનેક્શન કપાઈ જતું. લોકોને આ સિસ્ટમ સાથે સુમેળ ન બેસતાં તેનો વિરોધ કરવામાં આવ્યો અને અંતે કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી અટકાવી દેવામાં આવી હતી. જોકે, હવે જનતાની માંગ સાથે સ્માર્ટ મીટરમાંથી પ્રિ-પેઇડ સિસ્ટમ બંધ કરી દેવામાં આવી છે. હવે મહિનાના અંતે જે પ્રમાણે યુનિટના વપરાશ ઉપર બિલ આવતું, તે જ પ્રકારે બિલ આવશે.