Last Updated on by Sampurna Samachar
કોનવેની આ ઇનિંગ ન્યુઝીલેન્ડ માટે મહત્વપૂર્ણ મનાઇ
ડેવોન કોનવેએ મજબૂત પ્રદર્શન કરીને જવાબ આપ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
IPL ૨૦૨૬ની ઓક્શનમાં ડેવોન કોનવેના નામ પર કોઇ બોલી નહીં લાગતા આશ્ચર્ય સર્જાયુ છે. બેટ્સમેનનું નામ લેવામાં આવ્યું, ત્યારે એવી અપેક્ષા હતી કે ન્યુઝીલેન્ડનો આ વિશ્વસનીય બેટ્સમેન કોઈ ફ્રેન્ચાઇઝીનું ધ્યાન આકર્ષિત કરશે. તેની બેઝ પ્રાઈસ ૨ કરોડ હતી. જોકે, આશ્ચર્યજનક રીતે કોઈ ટીમે તેના માટે બોલી લગાવી નહોતી. ઓક્શનમાં અનસોલ્ડ રહ્યા પછી ન્યુઝીલેન્ડના સ્ટાર બેટ્સમેન ડેવોન કોનવેએ હવે બેટથી જવાબ આપી ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું છે.

ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચમાં ડેવોન કોનવેએ શાનદાર બેટિંગ કરી અને પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી જવાબ આપ્યો છે. આ ઇનિંગમાં ધીરજ, ટેકનિક અને આક્રમકતાનું સંપૂર્ણ મિશ્રણ જોવા મળ્યું. તેણે ૧૪૯ બોલમાં પોતાની સદી પૂરી કરી અને ૧૭ ચોગ્ગા ફટકાર્યા. આનો અર્થ એ થયો કે કોનવેએ જોખમી શોટનો આશરો લેવાને બદલે યોગ્ય ગેપ શોધીને રન બનાવ્યા.
કોનવેની સદી રેડ બોલ ક્રિકેટમાં આવી હતી
આ ઇનિંગ સ્પષ્ટપણે દર્શાવે છે કે તે કેવી રીતે લાંબા સમય સુધી ક્રીઝ પર રહી શકે છે અને ટીમ માટે રમી શકે છે. ડેવોન કોનવેની ટેસ્ટ કારકિર્દીમાં આ છઠ્ઠી સદી છે. આ સાથે તેણે વેસ્ટ ઇન્ડીઝ સામે તેની પ્રથમ ટેસ્ટ સદી પણ પૂર્ણ કરી. આ બેટ્સમેને મુશ્કેલ પરિસ્થિતિઓમાં ટીમને મજબૂત બનાવી અને પોતાનો ક્લાસ સાબિત કર્યો. તેની ઇનિંગ ન્યુઝીલેન્ડ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
જોકે, IPL એક સફેદ બોલની ટુર્નામેન્ટ છે અને કોનવેની સદી રેડ બોલ ક્રિકેટમાં આવી હતી, આ ઇનિંગ કોનવેના ફોર્મ વિશે કોઈ શંકા છોડતી નથી. ટેસ્ટ ક્રિકેટમાં આટલી મજબૂત ઇનિંગ રમવાથી ખબર પડે છે કે ખેલાડી આત્મવિશ્વાસ ધરાવે છે અને કોઈપણ ફોર્મેટમાં અનુકૂલન સાધી શકે છે.