Last Updated on by Sampurna Samachar
અપહરણ, છેડતી અને ધમકીનો આરોપ લાગ્યો
ચૈતર વસાવાના હસ્તે આપમાં જોડાયેલા જાણીતા નેતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
આમ આદમી પાર્ટીમાં તાજેતરમાં જ જોડાયેલા અને પોતાને “સામાજિક કાર્યકર” ગણાવતા દેવેન્દ્ર મેડાની દાહોદ પોલીસે ગંભીર ગુનાના આરોપસર તાત્કાલિક ધરપકડ કરી છે. મહિલાનું અપહરણ, છેડતી અને ધમકી આપવાના ગુનામાં તેમની સામે દાહોદ B -ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, નિમ નલિયા (દાહોદ રૂરલ) ના રહેવાસી દેવેન્દ્ર મેડા (અગાઉ BTP ના કાર્યકર્તા અને બે વખત ચૂંટણી હારેલા ઉમેદવાર) પર ગત ૨૯ નવેમ્બરના રોજ એક મહિલાએ ગંભીર આરોપો લગાવ્યા છે. આરોપ મુજબ, દેવેન્દ્ર મેડાએ મહિલાને “નોકરી અપાવીશ”ની લાલચ આપીને બોલાવી હતી. ત્યારબાદ, તેમણે મહિલાને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું.
દાહોદના રાજકીય વર્તુળોમાં ગરમાવો
એટલું જ નહીં, મેડાએ ઝડપથી ગાડી ચલાવીને મહિલાને ડરાવવાનો અને તેમની સાથે છેડતી કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે દાહોદ B -ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ગુનો નોંધીને પોલીસે દેવેન્દ્ર મેડાની ધરપકડ કરી છે. દેવેન્દ્ર મેડાનો ભૂતકાળ પણ વિવાદાસ્પદ રહ્યો છે અને તેમનો ગુનાહિત રેકોર્ડ પોલીસે જાહેર કર્યો છે.
હાલમાં પણ તેમની સામે અન્ય બે કેસ ચાલી રહ્યા છે, જેમાં તેઓ જામીન પર મુક્ત છે. વર્ષ ૨૦૨૫માં રેતીની ગાડી રોકીને ખંડણી માંગવા બાબતે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં તેમની સામે કેસ ચાલી રહ્યો છે. ટ્રક માલિક પાસેથી કૂતરું અડવાના નામે બળજબરીથી પૈસા પડાવવા બાબતે દાહોદ B -ડિવિઝનમાં પણ તેમની સામે કેસ ચાલી રહ્યો છે. આપમાં જોડાયાના ગણતરીના સમયમાં જ એક સક્રિય કાર્યકરની આ રીતે ગંભીર ગુનામાં ધરપકડ થતાં દાહોદના રાજકીય વર્તુળોમાં ગરમાવો આવી ગયો છે.