અમિત શાહ અને જેપી નડ્ડા સાથે મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ અંગે કરી બેઠક
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ અંગે ચર્ચા કરવા દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર સાથે દિલ્હી આવવાના હતા. પરંતુ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર જ દિલ્હી પહોચ્યા હતા.જેમને અમિત શાહ અને જેપી નડ્ડા સાથે આ મુદ્દે બેઠક પર કરી દીધી. જોકે, અજિત પવાર સાથે અમિત શાહે અલગથી બેઠક કરી હતી. જ્યારે ડેપ્યુટી CM એકનાથ શિંદે આ બેઠક અને ચર્ચાનો ભાગ બન્યા નથી. જેના લીધે અટકળો ચાલી રહી છે કે, શું એકનાથ શિંદે ફરીથી ગુસ્સે થયા છે અને તેઓ માત્ર પોતાનો વિરોધ નોંધાવવા દિલ્હી ગયા નથી.
મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે અમિત શાહ સાથે લાંબી મુલાકાત કરી હતી. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે,ચાલુ બેઠકમાં જ દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેને ફોન કર્યો હતો. બાદમાં, બંને નેતાઓ વચ્ચે કેબિનેટ વિસ્તરણ અને વિભાગોના વિભાજન મુદ્દે વાતચીત થઈ હતી.
પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેને એકનાથ શિંદેના ઘરે મોકલવામાં આવ્યા હતા. તેમણે જ એકનાથ શિંદે સાથે વાત કરાવી હતી. તો શું શિંદેને મનપસંદ મંત્રાલય ન ફાળવવામાં આવતા તેઓ ફોન પણ ઉપાડી રહ્યા નથી? એવી અટકળો પણ વહેતી થઈ છે. સૂત્રોનું કહેવું છે કે એકનાથ શિંદેને ગૃહ મંત્રાલય ન અપાયું હોવા છતાં તેમને મહેસૂલ મંત્રાલય આપીને ખુશ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
અમિત શાહ પાસે બેઠેલા દેવેન્દ્ર ફડણવીસે ફોન પર આ જ ઓફર આપી હતી. હાલમાં એ જાણી શકાયું નથી કે એકનાથ શિંદેનું સ્ટેન્ડ શું છે. પરંતુ તેના વલણ પરથી સ્પષ્ટ છે કે તે કમ્ફર્ટેબલ નથી. અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ સાથે ગયા હતા અને બંને વચ્ચે સારો તાલમેલ જોવા મળી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે એકનાથ શિંદેની નારાજગીનો લાભ અજિત પવારને થઈ રહ્યો છે. તેમને લાગે છે કે શિવસેનાને અજિત પવાર કરતા વધારે મંત્રીઓ મળવા જોઈએ. અત્યાર સુધીની માહિતી મુજબ ભાજપ ૨૦ થી ૨૨ વિભાગ પોતાની પાસે રાખવા માંગે છે. આ સિવાય શિવસેના અને NCP ને ૧૦-૧૦ મંત્રાલયો આપવા તૈયાર છે.
પરંતુ એકનાથ શિંદે જૂથનું કહેવું છે કે અમારી પાસે ઓછામાં ઓછા ૧૨ વિભાગ હોવા જોઈએ. કારણ કે અમે એક મોટી પાર્ટી અને ભાજપના જૂના સાથી છીએ. આ ખેંચતાણ વચ્ચે અજિત પવાર સૌથી વધુ ફાયદામાં હોવાનું જણાય છે. તેઓ અધવચ્ચે એકનાથ શિંદે સરકારમાં જોડાયા હતા અને હવે તેઓ ભાજપની ખૂબ નજીક આવી ગયા છે. ફડણવીસે પણ તાજેતરમાં કહ્યું હતું કે અજિત પવાર વ્યવહારુ છે, જ્યારે એકનાથ શિંદે લાગણીશીલ છે. બંને નેતાઓ સાથે કામ કરવામાં તેમને કોઈ સમસ્યા નથી.