Last Updated on by Sampurna Samachar
સાઉદીમાં દુનિયાની મોટી ઓઈલ કંપની અરામકો ઉપર ડ્રોન એટેક
આ હુમલાને પગલે સાવચેતીના ભાગરૂપે રિફાઈનરી બંધ કરી દેવાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્ય પૂર્વમાં વકરી રહેલા યુદ્ધની ભયાનક અસર હવે વૈશ્વિક ઊર્જા બજાર પર જાેવા મળી રહી છે, જ્યાં ઈરાન દ્વારા સાઉદી અરેબિયાની સરકારી તેલ કંપની અરામકોની રાસ તનુરા રિફાઈનરી પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાને પગલે સાવચેતીના ભાગરૂપે રિફાઈનરી બંધ કરી દેવાતા દુનિયાભરમાં ઊર્જા સંકટ તોળાઈ રહ્યું છે, જેના કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતોમાં ૯.૩૨%નો તોતિંગ વધારો થયો છે.

વિશ્વના ૨૦% ઓઈલ સપ્લાયના માર્ગ સમાન હોર્મુઝની સામુદ્રધુનીમાં શિપિંગ સેવાઓ ખોરવાઈ જતાં ક્રૂડ ઓઈલના ભાવ છેલ્લા ચાર વર્ષની સર્વોચ્ચ સપાટીએ એટલે કે બેરલ દીઠ ૮૦ ડોલર સુધી પહોંચી ગયા છે. આ સ્થિતિ જાે લાંબો સમય ચાલુ રહેશે તો આંતરરાષ્ટ્રીય સ્તરે મોંઘવારીમાં ઉછાળો આવે તેવી ભીતિ છે.
વૈશ્વિક બજારમાં હાલ ભારે અસ્થિરતાનો માહોલ
જ્યારે અમેરિકન પ્રમુખ અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર મિસાઈલ મારો કરવામાં આવ્યો, ત્યારે આ વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. આ હુમલાના વળતા પ્રહારમાં તેહરાને ઈઝરાયલ અને અમેરિકન સૈન્ય અડ્ડાઓ સહિત સાઉદી અરેબિયા, કતાર અને યુએઈ પર ઉપરાઉપરી હુમલા કર્યા છે. સાઉદી વિદેશ મંત્રાલયે આ હુમલાઓને પાયાવિહોણા ગણાવીને તેની આકરા શબ્દોમાં ટીકા કરી છે.
સાઉદી સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે, તેમણે ઈરાન વિરૂદ્ધના કોઈ પણ ઓપરેશનમાં પોતાની ધરતી કે હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવા દીધો નથી, છતાં ઈરાન દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી બિલકુલ સ્વીકાર્ય નથી.વૈશ્વિક બજારમાં હાલ ભારે અસ્થિરતાનો માહોલ છે.
જાે હોર્મુઝની સામુદ્રધુની લાંબો સમય બંધ રહેશે, તો આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઈન ઠપ થઈ શકે છે, જે આખરે દુનિયાભરમાં મોંઘવારીમાં મોટો ઉછાળો લાવશે. સાઉદી સત્તાવાળાઓએ આ હુમલાઓ સામે લાલ આંખ કરતા રિયાધમાં ઈરાની રાજદૂતને તેડું મોકલી સખત વિરોધ વ્યક્ત કર્યો છે. અમેરિકન પ્રમુખ અને નેતન્યાહૂ સરકારના આકરા વલણ પછી હવે અખાતી દેશોમાં યુદ્ધના વાદળો ઘેરાયા છે, જેની માઠી અસર સામાન્ય લોકો અને વિશ્વના અર્થતંત્ર પર પડવાની ભીતિ છે.