Last Updated on by Sampurna Samachar
ભૂસ્ખલન અને કાટમાળ પડવાથી શહેરની જીવનરેખા ઠપ્પ
મંડીમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત
(સંપૂર્ણ સમાચાર સેવા)
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં વાદળ ફાટવા અને સાંબેલાધાર વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે. મંડીના જેલ રોડ અને હૉસ્પિટલ રોડ વિસ્તારમાં પરિસ્થિતિ સૌથી ખરાબ છે. પૂર અને ભૂસ્ખલનના કારણે રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગયા હતા, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. મંડીમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયાના અહેવાલ છે. જ્યારે ૫૦ ગાડીઓ કાટમાળ નીચે દબાઈ છે.
અહેવાલો અનુસાર, મંડી જિલ્લામાં ફરી એકવાર ભારે વરસાદે તબાહી મચાવી દીધી હતી. ભૂસ્ખલન અને કાટમાળ પડવાની ઘટનાઓને કારણે શહેરની જીવનરેખા ઠપ્પ થઈ ગઈ છે. ત્યારે ભારે વરસાદના કારણે મંડીના જેલ રોડ પરના નાળામાં અચાનક પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે નજીકના ઘરો પણ ડૂબી ગયા હતા. નાળાનો કાટમાળ ઘરોના નીચેના માળમાં ઘૂસી ગયો હતો. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. પોલીસ અને વહીવટીતંત્રે બચાવની કામગીરી હાથ ધરી છે.
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદનું ઍલર્ટ
બીજી તરફ ઝોનલ હૉસ્પિટલ મંડીની બહાર ભારે કાટમાળ જમા થઈ ગયો છે, જેના કારણે ઈમરજન્સી દર્દીઓને હૉસ્પિટલ પહોંચવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મંડી શહેરના વિવિધ વિસ્તારોમાં કાટમાળ નીચે દટાઈ જવાથી ૫૦ જેટલા વાહનોને ભારે નુકસાન થયું હતું. અનેક ઘરોના નીચેના માળ પાણી અને કાદવથી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોને ભારે નુકસાન થયું હતું.
મંડી વહીવટ, પોલીસ, ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે હાજર છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી ચાલુ છે. મંડીના ડેપ્યુટી કમિશ્નર અપૂર્વ દેવગને જણાવ્યું હતું કે, ‘અસરગ્રસ્ત પરિવારોને સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવી રહ્યા છે.
હવામાન વિભાગે અનુસાર, આગામી ૨૪ કલાક માટે મંડી સહિત સમગ્ર હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે. સતત વરસાદને કારણે રાહત અને બચાવ કાર્યમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.