Last Updated on by Sampurna Samachar
ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચતા થયા નિરાશ
દિયોદર, ભાભર, કાંકરેજ, ભીલડીમાંથી ભક્તો મૂર્તિ વિસર્જન માટે આવે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
એક તરફ ભારે વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લા પંથકના કેટલાક વિસ્તારોમાં ખેતરો પાણીથી છલોછલ ભરાયેલા છે, તો બીજી તરફ દિયોદર પાસે આવેલા તળાવો ખાલી હોવાથી દશામાની મૂર્તિ વિસર્જન કરવા આવનાર ભક્તો રઝળી પડ્યા છે. દિયોદરનું સણાદર તળાવ તળિયા ઝાટક હોવાથી દશામાંની મૂર્તિઓની અવદશા જોવા મળી રહી છે. જેથી ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચતા તેઓ નિરાશ થયા છે અને આયોજનના અભાવ અંગે રોષે ભરાયા છે.
ખાસ કરીને દિયોદર તાલુકાનું સણાદર ગામ એ મીની અંબાજી તરીકે ઓળખાય છે, જેની સાથે હજારો ભક્તોની ભાવના જોડાયેલી છે. ઉપરથી હાલમાં દસ દિવસના દશામાનાં વ્રત પૂર્ણ થયા છે અને ભક્તો દશામાની પૂજા અર્ચના કરી હવે તેને વિસર્જિત કરવા માટે તળાવે પહોંચ્યા છે, પરંતુ તળાવમાં પાણી ન હોવાથી મૂર્તિઓ અધવચ્ચે મૂકવાની નોબત આવી છે અને તેમની આસ્થા પર પાણી ફરી વળ્યું છે. મૂર્તિઓની આ દશા જોઈને અનેક ભક્તોની લાગણી પણ દુભાઈ રહી છે.
ભક્તોની આસ્થાને ઠેસ પહોંચતા તાત્કાલિક પગલાંની માંગ કરી
આ તળાવમાં દર વર્ષે દિયોદર, ભાભર, કાંકરેજ, ભીલડી જેવા વિસ્તારમાંથી ભક્તો દશામાની મૂર્તિના વિસર્જન માટે અહીં આવતા હોય છે, પરંતુ તળાવ આ વર્ષે તળિયા ઝાટક હોવાથી ભક્તો મૂર્તિઓને બાવળની ઝાડીમાં અને તળાવમાં અધ વચ્ચે મૂકીને નીકળી ગયા છે. ત્યારે તળિયા ઝાટક તળાવમાં પડેલી મૂર્તિઓ ક્ષતિગ્રસ્ત થાય તે પહેલા તળાવમાં પાણી ભરી આ મૂર્તિઓને વિસર્જન કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. સાથે જ આ ધાર્મિક સ્થળની પવિત્રતા જાળવવા માટે સ્થાનિક વહીવટીતંત્ર અને ટ્રસ્ટ પર પણ દબાણ વધ્યું છે.
આ વખતે આયોજનના અભાવે ભક્તિની જગ્યાએ અફસોસ વધુ જોવા મળી રહ્યો છે. કારણ કે સાચી ભક્તિ ત્યારે જ પૂર્ણ થાય જ્યારે સાથે સાચી સંવેદના અને સુવ્યવસ્થિત આયોજન હોય. પરંતુ આ અભાવના કારણે ભક્તિની આસ્થા તથા શ્રદ્ધાને ઠેસ પહોંચી છે અને ભક્તોમાં રોષે ભરાયા છે. તેઓએ માંગ કરી છે કે, તળાવમાં પાણી ભરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે. જેથી ભક્તોની લાગણીઓનું સન્માન થાય.
એક તરફ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયેલું છે અને ખેડૂતો ‘લીલો દુષ્કાળ’ની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ખેડૂતો સરકાર સમક્ષ આ મુદ્દે રજૂઆત કરી રહ્યા છે. બીજી તરફ, સણાદર ધામનું તળાવ ખાલી હોવાથી ભક્તોને નિરાશા હાથ લાગી છે. આ વિરોધાભાસે પાણીના સંચય અને વ્યવસ્થાપનની અંગે તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. હવે સણાદર ધામના ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટીતંત્ર આ મુદ્દે શું પગલાં લે છે, તે જોવું રહ્યું.