Last Updated on by Sampurna Samachar
કુલ ૭૮ કબજેદારોને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી
ડિમોલિશનથી ટ્રાફિક વ્યવસ્થા સુધરશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેજલપુર વિસ્તારમાં ડિમોલિશનની મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત રણુંજાનગર તરીકે ઓળખાતી વસાહતના બાંધકામો દૂર કરીને ટી.પી. રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે.

શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને રસ્તાઓ પહોળા કરવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેજલપુર વિસ્તારમાં ડિમોલિશનની મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત રણુંજાનગર તરીકે ઓળખાતી વસાહતના બાંધકામો દૂર કરીને ટી.પી. રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે.
૯.૦૦ મીટર પહોળાઈનો ૧૩૦ મીટર લંબાઈનો ટી.પી. રસ્તો ખુલ્લો થયો
આ ડિમોલિશન ઇલેક્ટ્રિકલ વોર્ડ નં. ૨૦ માં બી.આર.ટી.એસ. રોડ, સુંદરવન સામેથી સ્પીપાને સમાંતર માનસી સર્કલ તરફ જતા રસ્તા પર હાથ ધરાયું હતું. આ રોડ ટી.પી. સ્કીમ નં. ૦૬ માં સમાવિષ્ટ ૧૮.૦૦ મીટર અને ૯.૦૦ મીટર પહોળાઈના ટી.પી. રસ્તા પર આવેલો હતો.
રસ્તો ખુલ્લો કરવા માટે અસરગ્રસ્ત કબજેદારોને અગાઉ નોટિસો બજાવવામાં આવી હતી. અસરગ્રસ્ત કબજેદારો પૈકી વૈકલ્પિક વ્યવસ્થાને પાત્ર થતા કુલ ૭૨ કબજેદારોને અગાઉ કૃષ્ણધામ આવાસ યોજના, સરખેજ ખાતે ડ્રો-પદ્ધતિથી ફ્લેટ ફાળવવામાં આવ્યા હતા. વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી સાથે કેટલાક કબજેદારોએ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી, જેમાં હાઇકોર્ટે સ્ટેટ્સ ક્વો આપ્યો હતો.
તા. ૨૫/૦૯/૨૦૨૫ ના રોજ સ્ટેટ્સ ક્વો દૂર થતાં, આનુષાંગિક કાર્યવાહી કરી અન્ય ૬ કબજેદારોને પણ કૃષ્ણધામ આવાસ યોજનામાં ફાળવણી કરવામાં આવી હતી. આમ, કુલ ૭૮ કબજેદારોને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી છે. સેટેલાઇટ પોલીસ સ્ટેશનના બંદોબસ્ત સાથે, ૨ દબાણ ગાડી, ૧ હીટાચી મશીન, ૪ જે.સી.બી મશીન અને ૩૨ ખાનગી કોન્ટ્રાક્ટરના મજૂરોની મદદથી કામગીરી હાથ ધરાઈ હતી.
આ ડિમોલિશન બાદ ૧૮.૦૦ મીટર પહોળાઈનો ૪૧૫ મીટર લંબાઈનો અને ૯.૦૦ મીટર પહોળાઈનો ૧૩૦ મીટર લંબાઈનો ટી.પી. રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે, જે વેજલપુર વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવામાં મદદરૂપ થશે.