Last Updated on by Sampurna Samachar
નોટિસ આપીને ૩૦ દિવસનો સમય અપાયો હતો
લાંબા સમયથી આ જમીન પર ગેરકાયદે બાંધકામ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા સરકારી જમીન પર કરાયેલા અવૈધ બાંધકામને તોડી પાડવાની મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભારે પોલીસ બંદોબસ્ત હેઠળ અને ડ્રોન કેમેરાની સતત દેખરેખ વચ્ચે મસ્જિદ, મદરેસા અને મેરેજ હોલ પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા છે.

સંભલના અસમોલી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં થઈ રહેલી આ કાર્યવાહી દરમિયાન ભારે પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જે જમીન પર બાંધકામ થયેલું છે, તે જમીન ગ્રામ સમાજની માલિકીની અને તળાવ માટેની હતી. લાંબા સમયથી આ જમીન પર ગેરકાયદે કબજો જમાવીને બાંધકામ કરી દેવામાં આવ્યું હતું.
મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત
સંભલના એસપી કે.કે.બિશ્નોઈએ જણાવ્યું કે, ‘આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે કબજેદારોને ૧૦ જુલાઈએ નોટિસ આપીને ૩૦ દિવસનો સમય અપાયો હતો. સમય પુરો થવા છતાં બાંધકામ ન હટાવતા તંત્રએ જાતે જ કાર્યવાહી કરવાનો ર્નિણય લીધો હતો. અહીં એક વિશાળ જગ્યામાં અનેક વીઘાની જમીન પર બાંધકામ કરી દેવાયું છે.’
બુલડોઝર કાર્યવાહી દરમિયાન વાતાવરણ તંગ ન બને તે માટે આખા વિસ્તારને છાવણીમાં ફેરવી દેવાયું છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. કાર્યવાહીની ગંભીરતા જોતાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે હાજર રહીને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.