Last Updated on by Sampurna Samachar
દિલ્હી બ્લાસ્ટ મામલે કોંગ્રેસના કેન્દ્રને સવાલ
સંસદ અને રાષ્ટ્રપતિ ભવનની નજીક થયેલા આ વિસ્ફોટમાં ૧૩ લોકોના મોત
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસના મીડિયા પ્રભારી અને AICC મીડિયા તથા પબ્લિસિટી વિભાગના ચેરમેન પવન ખેડાએ રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ બાદ સરકારના વલણ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સંસદ અને રાષ્ટ્રપતિ ભવનની નજીક થયેલા આ વિસ્ફોટમાં ૧૩ લોકોના મોત થયા છે અને સરકારને આ ઘટનાને આતંકી હુમલો જાહેર કરવામાં ૪૮ કલાક લાગ્યા જે આશ્ચર્યજનક છે.

પવન ખેડાએ સવાલ ઉઠાવ્યો કે, ગૃહમંત્રી અમિત શાહ, અજીત ડોભાલ અને સુરક્ષા એજન્સીઓની કડક નજર હોવા છતાં, ફરીદાબાદમાં ૨૯૦૦ કિલો વિસ્ફોટક સામગ્રી કેવી રીતે પહોંચી ગઈ અને લાલ કિલ્લા પાસે થયેલા ધમાકાની જવાબદારી કોણ લેશે? ખાસ કરીને જ્યારે પુલવામા હુમલામાં કેવી રીતે પહોંચ્યું તેનો જવાબ પણ આજ સુધી મળ્યો નથી.
આ હુમલાને બાહ્ય તાકાતો દ્વારા સમર્થન અને પ્રેરણા
પવન ખેડાએ આ મામલે પૂછ્યું કે, આ વિસ્ફોટ કેવી રીતે થયો, કયા સ્તરે નિષ્ફળતા થઈ અને તેની જવાબદારી કોણ લેશે? આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે વડાપ્રધાનની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક બોલાવવાની અને સંસદનું સત્ર વહેલી તકે બોલાવવાની માંગ કરી છે, તેમજ સરકાર મજબૂત વલણ અપનાવે તો તેમને સમર્થન આપવાની વાત પણ કરી છે.
અંતમાં, તેમણે પહલગામ બાદ ઓપરેશન સિંદૂર વખતે અપાયેલા વડાપ્રધાનના નિવેદનને યાદ અપાવતા પૂછ્યું કે, સરકાર આ હુમલાને કઈ રીતે જોઈ રહી છે, કારણ કે આ હુમલાને બાહ્ય તાકાતો દ્વારા સમર્થન અને પ્રેરણા મળી રહી છે.