Last Updated on by Sampurna Samachar
દોષિતોની ધરપકડ થવી જ જોઈએ
સરકાર તમાશો બંધ કરે અને અધિકારીઓને જેલમાં નાખે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચંદીગઢમાં આત્મહત્યા કરનાર IPS અધિકારી વાય. પૂરન કુમારના પરિવારને મળ્યા હતા. તેમણે આરોપી અધિકારીઓની તુરંત ધરપકડ કરવાની માંગ કરી હતી અને કહ્યું કે આ દલિતોની અસ્મિતાનો મામલો છે.
રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, દલિતોને હેરાન કરવા એ ખોટું છે. તેમણે વડાપ્રધાન અને હરિયાણાના સીએમને બંને દીકરીઓ સાથે કરેલા વાયદા પૂરા કરવા અને તમાશો બંધ કરવા અપીલ કરી. તેમજ તેમણે કહ્યું કે, સીએમ નાયબ સૈનીના કાર્યવાહીના ભરોસા છતાં હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી.
કોંગ્રેસ આ લડાઈને રાષ્ટ્રીય સ્તર પર ઉઠાવશે
રાહુલ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું કે દોષિતોની ધરપકડ થવી જ જોઈએ. રાહુલ ગાંધીએ આ ઘટનાને માત્ર આત્મહત્યા નહીં, પણ સંવેદનહીન સિસ્ટમની નિષ્ફળતા અને જાતિગત ભેદભાવની પરાકાષ્ઠા ગણાવી. તેમણે કહ્યું કે, જે ઈમાનદાર અધિકારીએ આખી જિંદગી કાયદા અને ન્યાય માટે કામ કર્યું, તેને સિસ્ટમે જ તોડી નાખ્યો.
વાય. પૂરન કુમાર જેવા અધિકારીઓને સિસ્ટમની કરોડરજ્જુ ગણાવતા, તેમણે ચેતવણી આપી કે, જો તેમને ન્યાય નહીં મળે, તો દરેક ઈમાનદાર અધિકારીનું મનોબળ તૂટી જશે. આ સમગ્ર દેશના વહીવટી તંત્રની આત્માનો સવાલ છે અને આ મામલો સંસદ સત્રમાં પણ ઉઠાવવામાં આવશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ આ લડાઈને રાષ્ટ્રીય સ્તર પર ઉઠાવશે. જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. તેમજ રાહુલ ગાંધીએ મૃતક અધિકારીની પત્ની, અમનીત પી. કુમારને તમામ સંભવિત મદદની ખાતરી આપી. દેશભરમાં આ મામલાની ચર્ચાને ધ્યાનમાં રાખીને, રાહુલ ગાંધી સંભવત: આગામી સંસદ સત્રમાં આ મુદ્દો ઉઠાવશે.
આ મુલાકાત દરમિયાન, તેમની સાથે હરિયાણાના પ્રભારી બીકે હરિપ્રસાદ, પ્રદેશાધ્યક્ષ રાવ નરેન્દ્ર સિંહ, પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, સાંસદ દીપેન્દ્ર હુડ્ડા, સાંસદ કુમારી શૈલજા અને કાર્યકારી પ્રદેશાધ્યક્ષ જિતેન્દ્ર ભારદ્વાજ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
રાહુલ ગાંધીએ કહ્યું કે, દલિતોને સંદેશ મળી રહ્યો છે કે તેઓ ગમે તેટલા સફળ કે યોગ્ય હોય તો પણ તેમને દબાવી કે બહાર કાઢી શકાય છે, જે અસ્વીકાર્ય છે. વિપક્ષના નેતા તરીકે તેમણે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી સૈનીને સંદેશ આપ્યો કે, તેઓ નાટક બંધ કરે અને અધિકારીની અંતિમયાત્રા નીકળવા દે. તેમણે સ્પષ્ટપણે માંગ કરી કે આરોપી અધિકારીઓ સામે કાર્યવાહી થાય અને પિતા ગુમાવનાર બંને દીકરીઓ તેમજ પરિવાર પરથી દબાણ ઓછું કરવામાં આવે.
આ દલિત દંપતીના કિસ્સામાં એક વાત સ્પષ્ટ છે: વર્ષોથી વ્યવસ્થિત ભેદભાવ કરીને અન્ય અધિકારીઓ દ્વારા આ અધિકારીનું મનોબળ તોડવામાં આવ્યું અને તેમની કારકિર્દી તેમજ પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવામાં આવ્યું. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, આ માત્ર એક પરિવારનો મામલો નથી, પરંતુ તેનાથી દેશના કરોડો દલિત ભાઈ-બહેનોને ખોટો સંદેશ મળી રહ્યો છે.