Last Updated on by Sampurna Samachar
AQI ૩૦૦ને પાર જતાં શ્વાસ લેવામાં મુશ્કેલી
દિલ્હી- NCR માં ઠંડી પણ વધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી અને તેની આસપાસના NCR વિસ્તારમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ફરી ગંભીર બની છે, સમગ્ર શહેર પર ધુમાડાનું ગાઢ આવરણ છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ મુજબ, દિલ્હીનો સરેરાશ AQI ૩૭૨ (ગંભીર શ્રેણી) નોંધાયો, જે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે.

શહેરના મોટાભાગના વિસ્તારોમાં AQI ૩૦૦થી ૪૦૦ વચ્ચે રહ્યો. NCR શહેરોમાં પણ સ્થિતિ ખરાબ છે, જેમાં ફરીદાબાદ (૩૧૨), ગાઝિયાબાદ (૩૧૮), ગ્રેટર નોઇડા (૩૨૫), ગુરુગ્રામ (૩૨૮) અને નોઇડા(૩૧૦)માં AQI અત્યંત ખરાબથી ગંભીર શ્રેણીમાં નોંધાયો છે.
વેપારને દરરોજ લગભગ ૧૦૦ કરોડનું નુકસાન
પર્યાવરણ નિષ્ણાતોના મતે, લાંબા સમય સુધી આ પ્રદૂષિત હવામાં રહેવાથી શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા તથા હૃદય અને ફેફસાંની બીમારીઓ વધી શકે છે. ઘણા લોકોએ શ્વાસ ફૂલવો, ગળામાં ખંજવાળ આવવાની ફરિયાદો કરી છે. બીજી તરફ, દિલ્હી-એનસીઆરમાં ઠંડી પણ વધી રહી છે.
લઘુત્તમ તાપમાન ૧૧° C (સામાન્ય કરતાં ૩ ડિગ્રી ઓછું) અને દિવસનું તાપમાન ૨૭-૨૮° C આસપાસ જળવાયું છે. હવામાન વિભાગ અનુસાર, ૧૫-૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઠંડી હવાને કારણે સવાર-સાંજ વધુ ઠંડી અનુભવાશે.
હવામાન વૈજ્ઞાનિકો અનુસાર, હવાની ધીમી ગતિ, તાપમાનમાં ઘટાડો અને વધેલા ભેજના કારણે પ્રદૂષકો હવામાં ઉપર જઈ શકતા નથી. તેમજ આસપાસના રાજ્યોમાં પરાળ સળગાવવાથી ધુમાડો અને પ્રદૂષણનું સ્તર ગાઢ બની રહ્યું છે. જેથી સરકાર દ્વારા વાહનો પર પ્રતિબંધ, બાંધકામ નિયંત્રણ અને એન્ટી-સ્મોગ ગનનો ઉપયોગ જેવા પગલાં લેવા છતાં પરિસ્થિતિમાં ખાસ સુધારો જોવા મળતો નથી. ડૉક્ટરોની સલાહ છે કે, લોકો, ખાસ કરીને બાળકો અને વૃદ્ધો, બહાર ઓછું નીકળે અને બહાર જાય ત્યારે માસ્ક પહેરે.
દિલ્હી-એનસીઆરમાં વધી રહેલું વાયુ પ્રદૂષણ, જેની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં પહોંચી ગઈ છે, તે હવે લોકોના સ્વાસ્થ્યની સાથે કારોબાર પર પણ ગંભીર અસર કરી રહ્યું છે. રિટેલ બજારોમાં ગ્રાહકો ખરીદી માટે આવવાનું ટાળતા હોવાથી વેપારીઓની ચિંતા વધી છે.
આ ગંભીર પરિસ્થિતિને લઈને ચેમ્બર ઑફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ચેરમેન બ્રિજેશ ગોયલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે પ્રદૂષણ નિયંત્રણ માટે દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની સરકારોની ઇમરજન્સી મીટિંગ બોલાવવાની માંગ કરી છે.
બ્રિજેશ ગોયલના જણાવ્યા મુજબ, પ્રદૂષણના કારણે દિલ્હી-એનસીઆરના બજારોમાં ગ્રાહકોની સંખ્યા ૩-૪ લાખથી ઘટીને લગભગ ૧ લાખ થઈ ગઈ છે. પ્રદૂષણના ડરથી, ખાસ કરીને શ્વાસના દર્દીઓ, ઘરની બહાર નીકળતા નથી. તેમજ લગ્ન-પ્રસંગોની સિઝન હોવા છતાં, બજારોમાં રોનકને બદલે સન્નાટો છે અને ગ્રાહકો આવતા નથી. જેના કારણે દિલ્હીના વેપારને દરરોજ લગભગ ૧૦૦ કરોડનું નુકસાન થઈ રહ્યું છે.