Last Updated on by Sampurna Samachar
૧ નવેમ્બરથી પ્રદૂષણ ફેલાવતા કોમ. વાહનોના દિલ્હીમાં પ્રવેશ પર પ્રતિબંધ
દિલ્હીમાં BS-IV નું પાલન કરતાં વાહનોના પ્રવેશ પરની છૂટછાટ લંબાવશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીની હવાની ગુણવત્તા સુધારવા માટે, એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશને રાજધાનીમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને એક ર્નિણય લીધો છે. આ ર્નિણય મુજબ, ૧ નવેમ્બરથી પ્રદૂષણ ફેલાવતા કોમર્શિયલ વાહનોના દિલ્હીમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

આ સાથે કમિશને એ પણ સ્પષ્ટતા કરી છે કે, દિલ્હીમાં માત્ર BS-6 , CNG, LNG અને ઈલેક્ટ્રિક માલવાહક વાહનોને જ પ્રવેશની મંજૂરી મળશે. ભારત સ્ટેજ ૪ એન્જિન ધરાવતા કોમર્શિયલ વાહનો ૩૧ ઑક્ટોબર, ૨૦૨૬ સુધી દિલ્હીમાં પ્રવેશી શકશે. આ છૂટછાટ માત્ર BS-4 કોમર્શિયલ વાહનો માટે જ છે, ખાનગી વાહનો માટે નહીં.
AQI જોખમી સ્તરે પહોંચતા વાહનો પર નિયંત્રણનો ર્નિણય
દિલ્હીના પ્રદૂષણની સમસ્યાને ધ્યાનમાં રાખીને, CAQM ની બેઠકમાં ૧૭ ઑક્ટોબરે ર્નિણય લેવામાં આવ્યો કે, ૧ નવેમ્બરથી પ્રદૂષણ ફેલાવતા કોમર્શિયલ વાહનોના પ્રવેશ પર વ્યાપક પ્રતિબંધ મૂકવાની મંજૂરી અપાઈ. જોકે, પરિવહન વિભાગની નોટિસ મુજબ, સંક્રમણકાલીન ઉપાય તરીકે CAQM કોમર્શિયલ માલવાહક વાહનોને ૩૧ ઑક્ટોબર, ૨૦૨૬ સુધી દિલ્હીમાં પ્રવેશવાની છૂટ અપાઈ છે.
દિલ્હીમાં નોંધાયેલા કોમર્શિયલ માલવાહક વાહનો, BS-VI નું પાલન કરતાં ડીઝલ વાહનો, ૩૧ ઑક્ટોબર, ૨૦૨૬ સુધી BS-IV નું પાલન કરતા ડીઝલ વાહનો અથવા CNG, LNG કે વીજળીથી ચાલતા વાહનોના પ્રવેશ પર કોઈ પ્રતિબંધ નહીં હોય. નોટિસમાં એ પણ ઉમેરવામાં આવ્યું છે કે જ્યારે પણ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના કોઈ ચોક્કસ તબક્કાનો અમલ થશે, ત્યારે કોમર્શિયલ માલવાહક વાહનો પર તેના પ્રતિબંધો લાગુ રહેશે.
ટ્રાન્સપોર્ટરો એવી આશા રાખી રહ્યા હતા કે સરકાર દિલ્હીમાં BS-IV નું પાલન કરતાં વાહનોના પ્રવેશ પરની છૂટછાટ લંબાવશે. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના ભીમ વાધવાના જણાવ્યા અનુસાર, તેમની પાસે એક વર્ષનો સમય છે, જેમાં BS-IV વાહનોને પ્રવેશની મંજૂરી મળશે. બીજી તરફ, ઓલ ઈન્ડિયા મોટર એન્ડ ગુડ્સ ટ્રાન્સપોર્ટ ઍસોસિયેશનના રાજેન્દ્ર કપૂરે કહ્યું કે, આગળની કાર્યવાહીની ચર્ચા કરવા માટે તેઓ બેઠકનું આયોજન કરશે.
દિલ્હીમાં AQI જોખમી સ્તરે પહોંચ્યા બાદ વાહનો પર નિયંત્રણનો ર્નિણય લેવાયો. ૨૦-૨૧ ઑક્ટોબરની રાત્રે, જ્યારે શ્વાસ લેવો મુશ્કેલ હતો, ત્યારે મોનિટરિંગ ડેટાએ હવાની ગુણવત્તાનું ભયંકર ચિત્ર દર્શાવ્યું હતું, જેમાં સુપ્રીમ કોર્ટ નજીક ૯૫૯, અશોક વિહારમાં ૮૯૨ અને ચાંદની ચોકમાં ૯૯૮.૮ જેટલો જોખમી AQI નોંધાયો. જોકે, રાત્રે ૧૦:૪૫ વાગ્યા સુધીમાં ૩૯માંથી ૨૨ સ્ટેશનો ‘ગંભીર પ્લસ‘ કેટેગરી વટાવી ચૂક્યા હતા, ત્યારે ઓફિશિયલ ટ્રેકિંગ સિસ્ટમે પણ કામ કરવાનું બંધ કરી દીધું હતું.
દિવાળીની રાત્રે ધુમ્મસના સૌથી ખરાબ કલાકો દરમિયાન સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેટાનું વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું કે, ૪૮ કલાકના મુશ્કેલ સમયમાં, ૩૯ કાર્યરત મોનિટરિંગ સ્ટેશનોમાંથી માત્ર ૧૧ એ જ સતત ડેટા (આખી રાત AQI રીડિંગ્સ) રૅકોર્ડ કર્યો. બાકીના ૨૮ સ્ટેશનોનો ડેટા મહત્તમ પ્રદૂષણના કલાકો (૨૧ ઑક્ટોબરે મધ્ય રાત્રિથી સવારે ૫ વાગ્યાની વચ્ચે) દરમિયાન ગાયબ થઈ ગયો, જેના કારણે પ્રદૂષણને લગતા સત્તાવાર રેકોર્ડમાં શંકાસ્પદ ભૂલો જોવા મળી હતી.