આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં અવાર-નવાર જૂથ અથડામણની ઘટનાઓ બનતી હોય છે. જેમાં ક્યારેક સામાન્ય બાબત વણસી જતાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. ત્યારે ગાંધીનગરના દેહગામ અને અરવલ્લીના મેઘરજમાં ૨ જૂથ વચ્ચે અથડામણના સમાચાર પ્રાપ્ત થયા છે. જેમાં નજીવી બાબતે બોલાચાલી થતાં ૬ લોકોને ઇજા થઇ છે. કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાની ફરજ પડી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસનો દૌર શરૂ કર્યો છે.
મળતી માહિતી અનુસાર ગાંધીનગરના દેહગામમાં ઉગમણા ઠાકોર વાસના હોળી ચકલા વિસ્તારમાં નજીવી બાબતે શાબ્દીક બોલાચાલી થતાં મામલો ગરમાયો હતો. આ ઘટનામાં બે જૂથ સામસામે આવી ગયા હતા અને પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટનામાં ૬ જેટલા વ્યક્તિને ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ત્યારે રાજ્યમાં અન્ય એક ઘટના અરવલ્લીના મેઘરજથી સામે આવી છે. જેમાં ૨ જૂથ વચ્ચે અથડામણ થતાં બાદ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારાની ઘટનામાં એક હોમગાર્ડ સહિત ૬ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે ટોળાએ કારના કાચ તોડ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. પથ્થરમારાની ઘટનાને લીધે દોડધામ મચી જવા પામી હતી. જૂથ અથડામણની ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને સમગ્ર વિસ્તારમાં પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.