Last Updated on by Sampurna Samachar
જમ્મુથી ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ લીલી ઝંડી બતાવી
અમરનાથને સ્થાને આ વખતે કૈલાસ માનસરોવર યાત્રાની પસંદગી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમરનાથ યાત્રાની શુભ શરૂઆત થઇ ચૂકી છે. યાત્રા માટે લોકો જમ્મુથી રવાના થઈ રહ્યા છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ભગવતી નગર બેઝ કેમ્પથી યાત્રાને લીલી ઝંડી આપી છે. ૩૮ દિવસ ચાલનારી આ યાત્રા પહલગામ અને બાલાટાલ બંને રૂટથી થશે. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ (NH-૪૪) સહિતના રૂટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. યાત્રાનું સમાપન ૯ ઓગસ્ટે રક્ષાબંધનના દિવસથી થશે.

કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમરનાથ યાત્રા માટે યાત્રીઓના પહેલો સમૂહ જમ્મુથી રવાના થઈ ગયો છે. યાત્રી નિવાસ ભગવતી નગર, જમ્મુથી ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પહેલાં સમૂહને લીલી ઝંડી બતાવીને રવાના કર્યા છે.
અમરનાથ યાત્રા માટે વિવિધ ગાઈડલાઈન્સ જાહેર
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, જેમણે જમ્મુના તાવી રિવરફ્રન્ટ ખાતે તાવી આરતીમાં ભાગ લીધો હતો, તેમણે કહ્યું કે, આખી દુનિયા અમરનાથ યાત્રા પર નજર રાખી રહી છે અને કોઈ પણ જોખમ ભક્તોની શ્રદ્ધાને ડગમગાવી નહીં શકે. LG સિન્હાએ દાવો કર્યો હતો કે આ વર્ષની અમરનાથ યાત્રા પાછલા બધા વર્ષો કરતાં વધુ ઐતિહાસિક હશે અને તેમના માટે તે જમ્મુ અને કાશ્મીરના પ્રાચીન ગૌરવને પુન:સ્થાપિત કરવાની તક છે.

ઉલ્લેખનીય છે કે પહલગામમાં થયેલા આતંકી હુમલા તેમજ આ વખતથી હેલિકોપ્ટર સુવિધા બંધ રાખવામાં આવી હોવાથી ગુજરાતથી યાત્રાળુઓમાં ૮ ગણાથી વધુનો ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાંથી આ વખતે પાંચ હજાર જેટલા જ શ્રદ્ધાળુઓ અમરનાથમાં દર્શન કરવા જાય તેવી સંભાવના છે.
૯ ઓગસ્ટ સુધી યોજાનારી અમરનાથ યાત્રામાં ૩.૫૦ લાખથી શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ, એપ્રિલમાં પહલગામ પ્રવાસીઓ પરના આતંકી હુમલા બાદ અમરનાથ માટે રજિસ્ટ્રેશન કરાવનારા યાત્રાળુઓની સંખ્યા ઘટીને ૮૫ હજાર થઈ ગઈ છે. ગત વર્ષે અમરનાથ યાત્રામાં ૫.૧૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધાયા હતા, જે છેલ્લાં એક દાયકામાં સૌથી વધુ હતા.
સામાન્ય રીતે વિવિધ સંઘો ગુજરાતથી અમરનાથ યાત્રાએ જતા હોય છે. આ વખતે આવા સંઘોમાં પણ ઘટાડો નોંધાયો છે. અમરનાથ યાત્રાએ જતા અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશનની આ પ્રક્રિયા એપ્રિલથી જ શરૂ થઈ જતી હોય છે. રજિસ્ટ્રેશન વખતે હેલ્થ સર્ટિફિકેટ પણ આપવું પડે છે.
અમદાવાદની “સિવિલ હોસ્પિટલમાં હેલ્થ ફિટનેસ સર્ટિફિકેટ આપવાની વ્યવસ્થા હતી. જેના અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે, ‘અમરનાથ યાત્રા માટે વર્ષ ૨૦૨૩ માં ૪૫૫, વર્ષ ૨૦૨૪માં ૪૩૦ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. જેની સરખામણીએ આ વખતે અત્યારસુધી ૨૩૪ હેલ્થ ફિટનેસ સર્ટિફિકેટ જાહેર થયા છે. અરજદારને હૃદય, શ્વાસ સહિતની કોઈ સમસ્યા નથી કે કેમ તે ચકાસીને અમારી ટીમ દ્વારા આ હેલ્થ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવે છે.
બીજી તરફ ટૂર ઓપરેટરોના મતે અમરનાથ યાત્રા માટે સામાન્ય રીતે દરરોજની ૫૦ થી વધુ ઈન્ક્વાયરી આવતી હોય છે. જેના બદલે આ વખતે પહલગામના આતંકી હુમલા બાદ ઈન્ક્વાયરીનું પ્રમાણ ઘટીને માંડ ૧-૨ થઈ ગયું છે. અપર મિડલ ક્લાસના અનેક લોકો અમરનાથને સ્થાને આ વખતે કૈલાસ માનસરોવર યાત્રા પર વધુ પસંદગી ઉતારી રહ્યા છે. ૬ વર્ષ માટે યોજાઈ રહેલી કૈલાસ માનસરોવર યાત્રા માટે ૧૨ થી ૧૪ દિવસ માટે રૂપિયા અઢી લાખથી વિવિધ પેકેજ હોય છે.
અમરનાથ યાત્રા માટે વિવિધ ગાઈડલાઈન્સ જાહેર કરી દેવામાં આવી છે. જેના અનુસાર યાત્રા હોય તેના એક મહિના અગાઉથી જ શ્રદ્ધાળુઓએ નિયમિત ૨-૩ કિલોમીટર ચાલવાનું શરૂ કરી દેવું જોઈએ. નિયમિત રીતે પ્રાણાયામ અને હળવા યોગ કરવામાં આવે. ડિહાઈડ્રેશન અને માથાનો દુ:ખાવો થાય નહીં માટે દરરોજ ઓછામાં ઓછું પાંચ લીટર પાણી પીવું જરૂરી છે.