Last Updated on by Sampurna Samachar
વાયદાથી કંટાળેલી આંગણવાડી-આશા બહેનો મેદાને ઉતરી
આંદોલન માત્ર અમદાવાદ પૂરતું સીમિત નથી રાજકોટ અને ભાવનગર સહિતના શહેરોમાં પણ બહેનો રસ્તા પર ઉતરી આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં આંગણવાડી કાર્યકર, આશા વર્કરો અને હેલ્પર બહેનો હવે પોતાના હક્ક માટે ખુલ્લેઆમ મેદાને ઉતરી આવ્યા છે. અંદાજે એક લાખથી વધુ બહેનો લાંબા સમયથી પડતર માંગણીઓ માટે સરકારના દરવાજા ખખડાવી રહી હતી, પરંતુ કોઈ નક્કર પરિણામ ન મળતા હવે તેઓએ આરપારની લડાઈનો રસ્તો પસંદ કર્યો છે.

રાજ્યભરમાં સતત બીજા દિવસે ઉગ્ર વિરોધ પ્રદર્શન નોંધાયું છે, જેમાં અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં મોટી સંખ્યામાં બહેનો ભેગી થઈ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.આંદોલનકારી બહેનોનો આક્ષેપ છે કે સરકાર સાથે અત્યાર સુધીમાં ૨૭ જેટલી બેઠકો યોજાઈ ચૂકી છે, છતાં કોઈ સ્પષ્ટ ર્નિણય લેવામાં આવ્યો નથી.
બહેનોએ પોતાની નારાજગી વ્યક્ત કરી
ગત ૧૦ માર્ચ ૨૦૨૫ના રોજ મુખ્યમંત્રી દ્વારા પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ તે ખાતરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોવાનું બહેનોનું કહેવું છે. “સરકાર વાયદા કરે છે, પણ અમલ કરતી નથી” એવા નારાઓ સાથે બહેનોએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
મુખ્ય માંગણીઓમાં વેતન વધારાનો મુદ્દો સૌથી અગત્યનો છે. વર્ષ ૨૦૧૮માં કેન્દ્ર સરકાર અને ૨૦૨૨માં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા નજીવા વધારા બાદ મોંઘવારીમાં ભારે વધારો થયો છે, છતાં આજદિન સુધી કોઈ યોગ્ય વધારો કરવામાં આવ્યો નથી. બીજી તરફ, બહેનો પર કામનો બોજ સતત વધતો જઈ રહ્યો છે.
વાસ્તવમાં, જે ભાવે સરકાર ખાદ્યસામગ્રી માટે ભથ્થું આપે છે, તે ભાવે બજારમાં વસ્તુઓ ઉપલબ્ધ નથી, જેના કારણે બહેનોને પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરવો પડે છે.આંદોલન માત્ર અમદાવાદ પૂરતું સીમિત નથી. રાજકોટ અને ભાવનગર સહિતના શહેરોમાં પણ બહેનો રસ્તા પર ઉતરી આવી છે, જે દર્શાવે છે કે આ મુદ્દો રાજ્યવ્યાપી સ્વરૂપ લઈ રહ્યો છે.
સંગઠનોએ સરકારને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી બે દિવસમાં માંગણીઓ પર કોઈ ઠોસ ર્નિણય નહીં લેવાય, તો ગુજરાત વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે. સાથે જ, જરૂર પડશે તો અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરવાની તૈયારી પણ દર્શાવવામાં આવી છે.
આ હડતાળનો સીધો અસરકારક પ્રભાવ રાજ્યના લાખો બાળકો અને સગર્ભા મહિલાઓ પર પડી રહ્યો છે, જેઓ આંગણવાડી સેવાઓ પર ર્નિભર છે. પોષણ, આરોગ્ય અને શિક્ષણ સંબંધિત સેવાઓ પ્રભાવિત થઈ રહી છે, જે ચિંતાજનક બાબત છે.
હાલ પરિસ્થિતિ તંગ બની રહી છે. એક તરફ બહેનો પોતાના હક્ક માટે અડગ છે, તો બીજી તરફ સરકારનું વલણ હજુ સ્પષ્ટ થયું નથી. હવે જોવું રહ્યું કે સરકાર સમયસર ર્નિણય લઈને પરિસ્થિતિ શમાવે છે કે આંદોલન વધુ ઉગ્ર બને છે.