Last Updated on by Sampurna Samachar
ભારતીય રેલ્વેનો મુસાફરોની સુરક્ષા માટે નિર્ણય
૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ઓછા પ્રકાશમાં ફોટો લેશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય રેલવેએ મુસાફરોની સુરક્ષા માટે એક મોટો ર્નિણય લીધો છે. આ અંતર્ગત દરવાજા (ગેટ) પર લટકીને ગુનાખોરી કરનારા અને કોચમાં એન્ટ્રી કરનારા દરેક મુસાફર પર નજર રાખવામાં આવશે. આ માટે રેલવેએ ખાસ પ્લાન તૈયાર કર્યો છે. એટલે કે, તમે ટ્રેનમાં નિશ્ચિંતપણે મુસાફરી કરી શકો છો. એટલું જ નહીં, લોકોમોટિવ પણ ટ્રેકની આસપાસ થતી તમામ ગતિવિધિઓ પર નજર રાખશે.
રેલ મંત્રાલયે તમામ ૭૪,૦૦૦ ડબ્બા અને ૧૫,૦૦૦ એન્જિનમાં CCTV કેમરા લગાવવાનો ર્નિણય લીધો છે. આ પગલાનો ઉદ્દેશ્ય અસામાજિક તત્વો પર નજર રાખવાનો અને યાત્રિકોની સુરક્ષા વધારવાનો છે. આ કેમેરા એટલા આધુનિક હશે કે ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ઓછા પ્રકાશમાં પણ સ્પષ્ટ તસવીરો રેકોર્ડ કરશે.
ચારેય દરવાજા પર નજર રાખી શકાય તેવા કેમેરા લાગશે
ઉત્તર રેલવેમાં કેટલાક ડબ્બાઓ અને એન્જિનોમાં પહેલાં જ CCTV કેમેરાનું ટ્રાયલ કરવામાં આવી ચૂક્યું છે, જે સફળ રહ્યું છે. આના આધારે રેલ મંત્રાલયે તમામ ડબ્બાઓ અને એન્જિનોમાં કેમેરા લગાવવાની મંજૂરી આપી દીધી છે.
દરેક રેલવે ડબ્બામાં ચાર ડોમ-પ્રકારના CCTV કેમેરા લગાવવામાં આવશે. દરેક ડબ્બાના પ્રવેશદ્વારની બંને બાજુએ બે-બે કેમેરા હશે, જેથી ચારેય દરવાજા પર નજર રાખી શકાય. જ્યારે દરેક એન્જિનમાં ૬ કેમેરા લગાવવામાં આવશે. આમાંથી એક કેમેરો સામે, એક પાછળ, એક ડાબી બાજુ અને એક જમણી બાજુ હશે, જે બહારથી દેખરેખ રાખશે. આ સિવાય, એન્જિનની અંદર સામે અને પાછળ એક-એક ડોમ કેમેરા અને ૨ ડેસ્ક-માઉન્ટેડ માઈક્રોફોન પણ લગાવવામાં આવશે.
આ તમામ કેમેરા સ્ટાન્ડર્ડાઇઝેશન ટેસ્ટિંગ એન્ડ ક્વોલિટી સર્ટિફિકેશન (STQC) દ્વારા પ્રમાણિત હશે, જેથી તેની કોચમાં ગુણવત્તા સુનિશ્ચિત થાય. કેમેરા ફક્ત ડબ્બાઓના દરવાજાની નજીકના સામાન્ય વિસ્તારોમાં લગાવવામાં આવશે. આનાથી મુસાફરોની ગોપનીયતા જળવાઈ રહેશે અને સાથે જ અસામાજિક તત્વો પર નજર રાખી શકાશે. આ કેમેરાથી રેલવે કર્મચારીઓને ગુનેગારો અને ખોટી ગતિવિધિઓને ઓળખવામાં મદદ મળશે.
હાઈ ક્વોલિટીવાળા કેમેરા હશેરેલ મંત્રીએ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે કેમેરા હાઈ ક્વોલિટીવાળા હોવા જોઈએ અને ફાસ્ટ ટ્રેનોમાં પણ સ્પષ્ટ ફૂટેજ આપી શકે. આ સાથે જ રેલવે ઇન્ડિયા-એઆઈ મિશનની સાથે મળીને આ કેમેરાઓથી મળતા ડેટા પર AI નો ઉપયોગ કરવાની શક્યતાઓ શોધી રહી છે.
આનાથી સુરક્ષા અને દેખરેખને વધુ સુધારી શકાય. ઉત્તર રેલવેમાં અત્યાર સુધીમાં ૬૧૩૯ ડબ્બામાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવી ચૂક્યા છે. આમાંથી ૩૮૫૩ LHB ડબ્બા, ૧૪૩૬ ICF ડબ્બા અને ૮૫૦ EMU/MEMU/ DEMU ડબ્બાઓનો સમાવેશ થાય છે.