Last Updated on by Sampurna Samachar
હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને લીધો નિર્ણય
૨૨ જાન્યુઆરીએ મુંબઈ સામે ગ્રુપ ડી મેચ આયોજન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી ત્રણ મેચની વનડે શ્રેણી માટે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ટીમનો ભાગ છે. જ્યારે સિરાજે પહેલી બે મેચમાં ખાસ પ્રદર્શન કર્યું નથી, ત્યારે તેને ઘરેલુ ક્રિકેટમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપવાની જાહેરાત કરવામાં આવી છે. રણજી ટ્રોફી ૨૦૨૫-૨૬ની બાકીની ગ્રુપ મેચો માટે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને મોહમ્મદ સિરાજને નવા કેપ્ટન તરીકે જાહેર કર્યો છે.

રાહુલ સિંહે રણજી ટ્રોફી ૨૦૨૫-૨૬ની શરૂઆતની ગ્રુપ મેચોમાં હૈદરાબાદ માટે કેપ્ટનશીપ સંભાળી હતી, પરંતુ ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબ નહોતું, પાંચ મેચમાંથી માત્ર એક જ જીતી અને એક હારનો સામનો કરવો પડ્યો. વધુમાં ત્રણ મેચ ડ્રો રહી. પરિણામે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને ગ્રુપ સ્ટેજની બાકીની બે મેચ માટે અનુભવી ખેલાડી મોહમ્મદ સિરાજને કેપ્ટન તરીકે નિયુક્ત કરવાનો ર્નિણય લીધો છે.
રાહુલ સિંહને વાઈસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરાયો
સિરાજ રણજી ટ્રોફીમાં પહેલીવાર કેપ્ટન તરીકે રમશે, ૨૨ જાન્યુઆરીએ મુંબઈ સામે ગ્રુપ ડી મેચથી કેપ્ટનશીપ સંભાળશે. હૈદરાબાદ ટીમનો આગામી મુકાબલો ૨૯ જાન્યુઆરીએ છત્તીસગઢ સામે છે. અગાઉ કેપ્ટનશીપ સંભાળી ચૂકેલા રાહુલ સિંહને વાઈસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.
૨૦૨૫-૨૬ રણજી ટ્રોફીની અંતિમ બે ગ્રુપ મેચ માટે મોહમ્મદ સિરાજને કેપ્ટન તરીકે નિયુક્ત કરતા પહેલ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના મુખ્ય પસંદગીકારે તેની સાથે વાત કરી હતી. ક્રિકબઝને આપેલા નિવેદનમાં, હૈદરાબાદના મુખ્ય પસંદગીકારે કહ્યું, “અમે તેની સાથે વાત કરી છે અને તે સિઝનની બાકીની મેચો માટે ઉપલબ્ધ છે. તે એક ફાઇટર છે અને હંમેશા જીતવા માંગે છે અને અમને વિશ્વાસ છે કે આનાથી અન્ય ખેલાડીઓના પ્રદર્શન પર અસર પડશે.”
રણજી ટ્રોફી ૨૦૨૫-૨૬ની છેલ્લી બે ગ્રુપ મેચો માટે હૈદરાબાદની ટીમ : મોહમ્મદ સિરાજ (કેપ્ટન), રાહુલ સિંહ (વાઈસ-કેપ્ટન), સીવી મિલિંદ, તનય ત્યાગરાજન, રોહિત રાયડુ, કે હિમતેજા, એ વરુણ ગૌડ, એમ અભિરથ રેડ્ડી, રાહુલ રાદેશ (વિકેટકીપર), અમન રાવ પેરાલા, સીટીએલ રક્ષન રેડ્ડી, એન નીતિન સાઈ યાદવ, કનાલા નિતેશ રેડ્ડી, સાઈ પ્રજ્ઞાય રેડ્ડી (વિકેટકીપર), બી પુન્નૈયા.