Last Updated on by Sampurna Samachar
Contents
મહારાષ્ટ્રમાં નવી રિક્ષાઓ માટે પરમિટ ઉપર રોક લગાવાઈ
નવી પોલિસી તૈયાર ન થાય ત્યાં સુધી જ રહેશે પ્રતિબંધ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં વધતાં પ્રદૂષણ અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખીને રિક્ષાને લઈને મોટો ર્નિણય લીધો છે. મહારાષ્ટ્રમાં સોમવારથી નવી ઓટોરિક્ષા પરમિટ આપવા પર તાત્કાલિક અસરથી રોક લગાવવામાં આવી છે.

મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે આ અંગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું કે, જ્યાં સુધી કેબિનેટ બેઠકમાં ઓટોરિક્ષા પરમિટ આપવા માટેના નવા માપદંડો અને નીતિ નક્કી ન થાય, ત્યાં સુધી આ રોક લાગુ રહેશે. મંત્રીનું કહેવું છે કે સરકાર નાગરિકોને વધુ સારી અને કાર્યક્ષમ પરિવહન સુવિધાઓ પૂરી પાડવા માટે નવી નીતિ પર વિચાર કરી રહી છે.
પરમિટ કથિત રીતે બાંગ્લાદેશી નાગરિકોએ મેળવી હોવાની આશંકા
કેન્દ્રીય માર્ગ અને પરિવહન વિભાગે મહારાષ્ટ્ર સરકારને સલાહ આપી છે કે ૫ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સ્થાનિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને રિક્ષા પરમિટ અંગે ર્નિણય લેવો જોઈએ. મંત્રી પ્રતાપ સરનાઈકે દાવો કર્યો છે કે, એવી ફરિયાદો મળી છે કે કેટલાક કિસ્સામાં એક જ પરિવારના અનેક સભ્યોને મલ્ટિપલ પરમિટ આપવામાં આવી છે. કેટલીક પરમિટ કથિત રીતે બાંગ્લાદેશી નાગરિકો દ્વારા ગેરકાયદેસર રીતે મેળવવામાં આવી હોવાની પણ આશંકા છે.
વર્ષ ૨૦૨૫-૨૬ના આર્થિક સર્વેક્ષણ મુજબ, ૧ જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં મહારાષ્ટ્રમાં કુલ ૧૨.૯૬ લાખ ઓટોરિક્ષા નોંધાયેલી હતી. આ ર્નિણયની સૌથી વધુ અસર મુંબઈ, પુણે, નાગપુર અને થાણે જેવા મેટ્રો શહેરોમાં જોવા મળશે, જ્યાં રિક્ષાઓની સંખ્યા મર્યાદા કરતા વધી ગઈ છે.