હિમવર્ષા અને મેદાની વિસ્તારમાં વરસાદ યથાવત્
(સંપૂર્ણ સમાચાર સેવા)
ડિસેમ્બરનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે ત્યારે વર્ષના અંતે ઉત્તર ભારતમાં ઠંડીએ પણ પોતાનું જોર બતાવવા માંડ્યું છે. પશ્ચિમી વિક્ષોભની અસરથી પહાડો પર હિમવર્ષા અને મેદાની વિસ્તારમાં વરસાદ યથાવત્ છે. વળી, યોગ્ય સૂર્ય પ્રકાશ ન મળતાં તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે લદ્દાખમાં તાપમાન ઘટતાં -૨૦ સુધી પહોંચી ગયું છે, આ સાથે જ હિમાચલ પ્રદેશમાં માઇનસ ૧૦ સુધી તાપમાનનો પારો ગગડ્યો છે.
દેશનું સૌથી ઠંડુ શહેર લદાખનું ન્યોમા છે, જ્યાં તાપમાન માઇનસ ૨૦.૩ રહ્યું. વળી, હિમાલયના તાબામાં તાપમાન માઇનસ ૧૦.૬ છે. આ સિવાય કાશ્મીરના બાલિસ્ટાન મુઝફ્ફરાબાદમાં તાપમાન માઇનસ ૯.૫ છે. મેદાની વિસ્તારની વાત કરીએ તો પંજાબના અદમપુરમાં તાપમાન ૪ ડિગ્રી પહોંચી ગયું છે. જોકે, હરિયાણાના નારનૌલમાં તાપમાન ૫.૨ નોંધાયું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં હિમાચલ પ્રદેશના મોટાભાગના વિસ્તારમાં તાપમાન શૂન્યથી નીચે નોંધાયું છે. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન લાહોર-સ્પીતિના જનજાતીય વિસ્તારોમાં -૧૦.૬ ડિગ્રી સે. નોંધાયું છે. કાઝામાં તાપમાન -૬.૯ ડિગ્રી રહ્યું, જોકે કુકુમસેરીમાં -૮.૨ ડિગ્રી સે. તાપમાન નોંધાયું છે. આઇએમડી અનુસાર, કિન્નોર જિલ્લાના રિકાંગ-પિઓમાં તાપમાન -૦.૯ ડિગ્રી સે. નોંધાયું છે. મનાલીમાં પણ તાપમાન -૦.૩ ડિગ્રી સે. રહ્યું હતું. રાજ્યની રાજધાની શિમલામાં તાપમાન ૨.૦ ડિગ્રી સે. નોંધાયું હતું. જોકે, કુફરી અને નારકંડામાં ૦.૧ ડિગ્રી સે. અને -૨.૮ ડિગ્રી સે. નોંધાયું હતું. કિન્નોરના કલ્પામાં તાપમાન -૪.૦ ડિગ્રી સે. નોંધાયુ હતું અને ધર્મશાળામાં તાપમાન ૫.૦૨ ડિગ્રી સે. નોંધાયું હતું.