Last Updated on by Sampurna Samachar
જમ્મુ કાશ્મીરમાં ફરી વાદળ ફાટયું
ભુસ્ખલનમાં પરિવારના સાત લોકો દટાઇ ગયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલનની વધુ એક મોટી ઘટના સામે આવી છે. જેમાં ૧૨ લોકોના મોત નિપજ્યા છે. છેલ્લા ૧૫ દિવસથી કુદરતી હોનારતોનો સામનો કરી રહેલા જમ્મુ કાશ્મીરમાં હવે રીઆસી અને રામબન જિલ્લામાં વાદળ ફાટયા બાદ ભુસ્ખલન થયું હતું. તાજેતરની આ હોનારતોમાં મૃત્યુઆંક વધીને ૧૩૦ એ પહોંચ્યો છે, જ્યારે ૧૪૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. ઉપરાંત ૩૨થી વધુ મુસાફરો હજુ પણ ગૂમ છે.
વાદળ ફાટવા સહિતની ઘટનાઓને ધ્યાનમાં રાખીને વૈષ્ણોદેવી યાત્રા સતત પાંચમા દિવસે પણ સ્થગિત રાખવામાં આવી છે. જેને પગલે અનેક યાત્રાળુઓ રસ્તામાં જ ફસાયેલા રહ્યા છે. વહેલી સવારે રીઆસી જિલ્લાના બાડેર ગામમાં એક મકાન પર ભુસ્ખલનનો કાટમાળ પડયો હતો. જેને પગલે એક જ પરિવારના સાત લોકોના મોત નિપજ્યા હતા.
જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ તપાસના આદેશ આપ્યાં
જેમાં પતિ પત્ની અને તેમના ચાર પુત્રોનો સમાવેશ થાય છે. તેવી જ રીતે રામબનમાં બે ભાઇઓ સહિત પાંચ લોકોના મોત નિપજ્યા હતા. અહીંના એક ગ્રામીણ વિસ્તારમાં વાદળ ફાટયું હતું જેને પગલે બે મકાનો અને શાળાઓ ધ્વસ્ત થઇ ગયા હતા. બાદમાં રાજગઢમાં પૂર આવ્યું હતું. આ બન્ને ઘટનાઓમાં મળી કુલ ૩૨ મુસાફરો ગૂમ છે.
હાલમાં જ્યાં પણ વાદળ ફાટવા કે ભુસ્ખલનની ઘટના સામે આવી ત્યાં જિલ્લા પ્રશાસન હાઇ એલર્ટ પર છે. બીજી તરફ વરસાદી આફતને કારણે જમ્મુમાં સતત ટ્રેનો રદ રહે છે, શનિવારે વધુ ૪૬ ટ્રેનોને રદ કરવામાં આવી હતી, જ્યારે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે જમ્મુ માટે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. રેલવે પોલીસ અને નાગરિક પ્રશાસન દ્વારા જમ્મુ રેલવે સ્ટેશન પર વિશેષ ડેસ્ક તૈયાર કરાયું છે.
હજુ થોડા દિવસ પહેલા જ કટરામાં ભુસ્ખલન થયું હતું જેમાં ૪૧ લોકોના મોત નિપજ્યા હતા જે તમામ વૈષ્ણોદેવી ધામના યાત્રાળુઓ હતા. આ ઘટના અંગે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે.