Last Updated on by Sampurna Samachar
છિંદવાડાના એડિશનલ કલેક્ટરે મોતની પૂષ્ટિ કરી
આ મોતના કેસની તપાસ માટે SIT ની રચના કરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્યપ્રદેશમાં દૂષિત કોલ્ડ્રિફ કફ સિરપની દુર્ઘટના હજુ પણ યથાવત્ છે. જેમાં કિડનીમાં સંક્રમણને કારણે વધુ બે માસૂમ બાળકોનાં મોત થતાં, રાજ્યમાં આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા વધીને ૨૨ થઈ ગઈ છે. છિંદવાડાના એડિશનલ કલેક્ટર ધીરેન્દ્ર સિંહ નેત્રીએ આ મૃત્યુઆંકની પુષ્ટિ કરી.
એડિશનલ કલેક્ટરે જણાવ્યું કે, છિંદવાડાના પરાસિયા કસબાના રહેવાસી બે બાળકો – ૫ વર્ષના વિશાલ અને ૪ વર્ષના મયંક સૂર્યવંશીનું નાગપુરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું. આ સાથે, મૃત્યુ પામનારા બાળકોની સંખ્યા હવે ૨૨ થઈ ગઈ છે.
બેદરકારીના આરોપસર તબીબની ધરપકડ
મધ્યપ્રદેશ પોલીસે આ મોતના કેસની તપાસ માટે SIT ની રચના કરીને, તમિલનાડુ સ્થિત કોલ્ડ્રિફના નિર્માતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પરાસિયાના SDOP જિતેન્દ્ર સિંહ જાટે જણાવ્યું કે, SIT એ ભેળસેળયુક્ત કફ સિરપ મામલે તમિલનાડુની શ્રીસન ફાર્માના માલિક રંગનાથન ગોવિંદનની ચેન્નઈમાંથી ધરપકડ કરી છે. પોલીસે દવા ફેક્ટરીને સીલ પણ કરી દીધી છે. આરોપીને ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે અને શુક્રવાર સુધીમાં પરાસિયા લાવવામાં આવશે.
મધ્યપ્રદેશ સરકારે બાળકોના મોતની તપાસ દરમિયાન બે ઔષધિ નિરીક્ષકો અને એક ઉપ નિર્દેશકને સસ્પેન્ડ કર્યા હતા, તેમજ રાજ્યના ઔષધિ નિયંત્રકની બદલી કરી દીધી હતી. આ કેસમાં છિંદવાડાના ડૉ. પ્રવીણ સોનીની બેદરકારીના આરોપસર ધરપકડ કરાઈ છે, જેમની જામીન અરજી સ્થાનિક કોર્ટે ફગાવી દીધી. ડૉ. સોનીની ધરપકડના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જિલ્લામાં અનિશ્ચિતકાળની હડતાળની ધમકી આપી છે.