Last Updated on by Sampurna Samachar
ચાઈનીઝ દોરીથી મોત મામલે હવે હત્યાનો ગુનો નોંધાશે
યોગી આદિત્યનાથે કડક વલણ અપનાવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશમાં ચાઈનીઝ દોરીના કારણે સતત વધી રહેલા અકસ્માતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અત્યંત કડક વલણ અપનાવી નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે હવેથી ચાઈનીઝ દોરીના કારણે થતા મોતને માત્ર અકસ્માત નહીં, પરંતુ હત્યા ગણવામાં આવશે. આ સાથે જ તેમણે સમગ્ર રાજ્યમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ અને સ્ટોક વિરુદ્ધ તાત્કાલિક દરોડા પાડવાના આદેશ આપ્યા છે.

યોગી આદિત્યનાથે પોલીસ તંત્રને સવાલ કર્યો છે કે જ્યારે રાજ્યમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ છે, તો પછી બજારમાં આ જીવલેણ દોરી ઉપલબ્ધ કેવી રીતે થાય છે? તેમણે પોલીસને આદેશ આપ્યો છે કે ગેરકાયદેસર રીતે દોરી વેચનારાઓ વિરુદ્ધ વિશેષ અભિયાન ચલાવવામાં આવે અને કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. આ સમગ્ર કાર્યવાહીની સમીક્ષા રાજ્યના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે જેથી કરીને કોઈ પણ પ્રકારની બેદરકારી ન રહે.
હવે પ્રશાસન ફૂલ એક્શન મોડમાં આવ્યું
આ કડક ર્નિણય પાછળ તાજેતરમાં લખનઉના હૈદરગંજ બ્રિજ પર બનેલી એક ઘટના જવાબદાર છે. અહીં પતંગની દોરી ગળામાં આવી જવાથી શોએબ નામના એક યુવકનું મોત નીપજ્યું હતું. શોએબ તેના પરિવારનો એકમાત્ર કમાતો દીકરો હતો. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હવે પ્રશાસન ફૂલ એક્શન મોડમાં આવ્યું છે, જેથી નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય.