Last Updated on by Sampurna Samachar
પતિએ હત્યા કરી તે વખતે નશામાં હોવાની માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતના ગોડાદરા વિસ્તારની વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. રૂમમાં સુતેલી પત્નીને બે દીકરીની નજર સામે જ પતિએ ચપ્પુથી રહેસી નીખી હતી. દીકરીએ માતાનું ગળું કપાયેલું જોઈને બુમાબૂમ કરી હતી. જે બાદ તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી હતી.
આ અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ અમરેલી જિલ્લાના રહેવાસી અને હાલમાં સૂરતના ગોડાદરા આવેલા દેવદગામની સન્ડે લગુન હાઈટ્સમાં ૩૫ વર્ષીય નમ્રતા જયસુખભાઈ વાણીયા સહપરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં સાસુ, સસરા, દેરાણી, પતિ, એક આઠ વર્ષની દિકરી અને એક એક ત્રણ વર્ષની એમ બે દીકરીઓ સાથે રહે છે. સંયુક્ત કુંટુંબમાં રહેતા પરિવારે જમ્યા બાદ દરેક પોતપોતાના રૂમમાં સૂવા માટે ગયા હતા. પરંતુ રાત્રે નમ્રતાબેન અને જયસુખભાઈનો કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ દરમિયાન રાત્રીના લગભગ એક વાગ્યાની આસપાસ જયસુખભાઈએ બંને દીકરીઓની હાજરીમાં જ ચપ્પુ વડે નમ્રતાબેનનું ગળું કાપી હત્યા કરી દીધી હતી. જે પછી રૂમ પણ લોહીલુહાણ થઈ ગયો હતો. મોટી દીકરી ઊંઘમાંથી જાગી જતા માતાને લોહીલુહાણ જોતા બુમાબુમ કરી દીધી હતી.
પરિવારના જણાવ્યા પ્રમાણે જયસુખભાઈ ક્યારેક-ક્યારેક જ છૂટક મજૂરીનું કામ કરતાં હતા. મોટાભાગે તેઓ કામ પર ન જવાના કારણે ઝઘડાઓ થતા હતા. જ્યારે નમ્રતાબેન સાડી અને ચણીયા ચોળી વેચવાની કામગીરી કરીને આર્થિક રીતે મદદરૂપ થતા હતા. પરંતુ જયસુખભાઈને દારૂ પીવાની ટેવ હતી. કામ પર ન જવાના કારણે પરિવારમાં અવારનવાર ઝઘડાઓ થતા હતા. આ ઉપરાંત નમ્રતાબેનને સાસરિયાંઓ દ્વારા પણ ત્રાસ આપવામાં આવતો હતો. રાત્રે આ ઘટના બની ત્યારે જયસુખ દારૂના નશામાં હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. ઘટનાની પોલીસને જાણ કરતાં પોલીસે હત્યારા પતિ જયસુખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.