Last Updated on by Sampurna Samachar
પાવાગઢ શક્તિપીઠ ખાતે નવરાત્રીમાં દર્શનના સમયમાં ફેરફાર
ભક્તો માટે કરાઈ ખાસ વ્યવસ્થા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે નવરાત્રિ દરમિયાન મંદિરના દર્શન સમયમાં ફેરફાર કરાયો છે. નોંધનીય છે કે, આસો માસની નવરાત્રિનો પાવન પર્વ પર લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે. ભક્તો આરતી અને માતાના દર્શનનો લ્હાવો લઈ શકે તે માટે પાવાગઢ ટ્રસ્ટે ખાસ આયોજન કર્યું છે.

નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ૨૦મી અને ૨૧મી સપ્ટેમ્બર (અમાસ) તેમજ ૨૩મી સપ્ટેમ્બર પહેલા નોરતે સવારે ૫ વાગ્યે મંદિરના દ્વાર ખુલશે અને રાત્રે ૮ વાગ્યે બંધ થશે. જ્યારે ૨૩મી થી ૨૬મી સપ્ટેમ્બર દરમિયાન દરરોજ સવારે ૬ થી રાત્રે ૮ સુધી દર્શન મળશે.
પ્રાઇવેટ વાહનોને માચી ઉપર જવા પ્રતિબંધ
પાંચમા નોરતે (૨૭મી સપ્ટેમ્બર) સવારે ૫ વાગ્યે, જ્યારે છઠ્ઠા નોરતે (૨૮મી સપ્ટેમ્બર) સવારે ૪ વાગ્યે દ્વાર ખુલશે. સાતમા અને આઠમા નોરતે (૨૯મી અને ૩૦મી સપ્ટેમ્બર) સવારે ૫ વાગ્યે, જ્યારે નવમા નોરતેથી પૂનમ સુધી (પહેલીથી ચોથી ઓક્ટોબર) સવારે ૬ વાગ્યે દ્વાર ખુલશે. પૂનમના દિવસે પાંચમી અને છઠ્ઠી ઑક્ટોબરે સવારે ૫ વાગ્યે દર્શન શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે, નવરાત્રિમાં ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખી વિવિધ સુવિધાઓ પણ ગોઠવાઈ છે. ગુજરાત એસટી નિગમ દ્વારા પાવાગઢ તળેટીથી માચી સુધી રોજ ૫૦ થી ૬૦ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાઇવેટ વાહનોને માચી ઉપર જવા પ્રતિબંધિત રાખવામાં આવ્યા છે. પદયાત્રીઓને સહાય મળે તે માટે હાલોલ જ્યોતિ સર્કલથી પાવાગઢ ડુંગર સુધી ખાસ લાઇટિંગની સુવિધા ઊભી કરાઈ છે.