પ્રોફેસરથી લઈને વીસીના પદ સુધી અનેક પ્રકારની ગેરરીતિઓ આચરી હોવાના આરોપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ચાલતા ભરતી કૌભાંડમાં સરકારે આપેલા આદેશ છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી. આમ અહીં સરકારના હુકમને પણ નકારવામાં આવી રહ્યો છે. સરકારે કૃષિ યુનિવર્સિટી ભરતી કૌભાંડ અંગે કાર્યવાહીના આદેશ આપ્યા હતા. જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવાનો પણ આદેશ આપ્યો હતો. તેમજ તત્કાલીન કુલસચિવ જે આર વડોદરિયા સામે ફરિયાદ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આ મામલે સરકારના હુકમને વાઇસ ચાન્સેલર અને રજિસ્ટ્રારે દબાવી દીધાનો આરોપ છે. સરકારના ખાતાકીય તપાસના હુકમ છતાં ભરતી કૌભાંડના મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. આ જોતાં ભરતી કૌભાંડમાં વાઇસ ચાન્સેલર અને રજિસ્ટ્રારના સામેલ હોવાની સંભાવના પણ નકારી શકાતી નથી.
સરકારના કૌભાંડની તપાસના અને કાર્યવાહી કરવાના સીધે આદેશને યુનિવર્સિટીનું તંત્ર ઘોળીને પી ગયું છે. આ બતાવે છે કે દાંતીવાડા યુનિવર્સિટીમાં કેટલી હદ સુધીનું અંધેર ચાલે છે. આ સિવાય તેની પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે દાંતીવાડા કૃષિ યુનિ.ના વાઇસ ચાન્સેલર તરીકે રવિન્દ્ર ચૌહાણની જે નિમણૂક થઈ છે તે નિમણૂક પણ ગેરકાયદે જ થઈ હોવાનો પર્દાફાશ થયેલો છે. તેમણે પ્રોફેસરથી લઈને વીસીના પદ સુધી અનેક પ્રકારની ગેરરીતિઓ આચરી હોવાનું કહેવાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે ચૌહાણ સામે ખાતાકીય તપાસો અને કૌભાંડોને અવગણીને તેમને વીસી બનાવી દેવાયા છે.
તેથી કેટલાક તો ત્યાં સુધી કહે છે કે દાંતીવાડા કૃષિ યુનિ.ના કૌભાંડોને દબાવવા માટે જ કૌભાંડી રવિન્દ્ર ચૌહાણની નિમણૂક થઈ છે. ચૌહાણે એસસી-એસટીમાં ન હોવા છતાં તેનું સર્ટિફિકેટ મેળવીને તેમના ક્વોટામાંથી નોકરી મેળવી છે, જ્યારે તે પોતે રાજપૂત છે. ચૌહાણના અનુભવ સહિતના પત્રોમાં વિસંગતતા અંગે સરકાર સુધી ફરિયાદ થઈ ચૂકી છે.
કુલપતિ બન્યા પછી, રવિન્દ્ર ચૌહાણે ૨૦૨૧ માં કૃષિ અધિકારી અને કૃષિ સહાયકની ભરતી હાથ ધરી હતી. સરકાર સુધી ફરિયાદો પહોંચી કે ગેરકાયદેસર રીતે પાસ થયેલા ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. આ કેસમાં, વિજિલન્સ કમિશનના વિશેષ તપાસ અધિકારી એસ.કે. પંડ્યાએ ૨૦૨૩માં કુલપતિ સામે તપાસ કરી હતી.
કૃષિ અધિકારી અને કૃષિ સહાયકની ભરતીમાં સેટિંગ દ્વારા નોકરી મેળવનાર ધ્રુવિલ પટેલે પણ ૨૨ લાખ રૂપિયા ચૂકવ્યા હોવાનું સ્વીકાર્યું છે. કેટલાક યુવાનોની વાતચીતની ઓડિયો ક્લિપ સામે આવી છે જેમાં જણાવાયું છે કે ૨૦૨૧ની આ ભરતીમાં કોઈ સેટિંગ થયું છે. ઓડિયો ક્લિપમાં ધ્રુવિલ પટેલ પરીક્ષા પહેલા બીજા યુવક સાથે વાત કરતો જાેવા મળે છે.
આમાં તે ૨૦-૨૨ લાખ રૂપિયામાં તેને સેટ કરવાની વાત કરે છે. હાલમાં આ યુવક સાથે લાખો રૂપિયા ખર્ચીને નોકરી મેળવનારા અન્ય યુવાનો પણ સરદાર કૃષિ નગર દાંતવાડા કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ અધિકારી અને કૃષિ સહાયકની જગ્યાઓ પર કાર્યરત છે. ભરતી કૌભાંડના વધુ પ્રકરણો ખુલતા જ, યુનિવર્સિટી સત્તાવાળાઓએ ખુલાસાના ડરથી ધ્રુવિલ પટેલને કચ્છના કોઠારા સેન્ટરમાં ટ્રાન્સફર કરી દીધા છે.