Last Updated on by Sampurna Samachar
દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાતા લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી
દિલ્હીનો સરેરાશ AQI વધીને ૩૯૨ થયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજધાની દિલ્હી અને નેશનલ કેપિટલ રિજનમાં પ્રદૂષણની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. તાજેતરમાં સવારે દિલ્હીમાં ધુમ્મસનું જાડું સ્તર છવાઈ ગયું હતું, જેને કારણે દિલ્હી ગેસ ચેમ્બર જેવી હાલતમાં ફેરવાઈ ગયું છે અને લોકોને શ્વાસ લેવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડા મુજબ, દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો છે. સવારે ૭ વાગ્યે દિલ્હીનો સરેરાશ AQI ૩૯૯ નોંધાયો હતો, જે ખૂબ જ ખરાબ શ્રેણીની ટોચ પર છે અને ગંભીર શ્રેણીની નજીક છે. શહેરના કેટલાક વિસ્તારોમાં AQI ૪૫૦ને પાર કરી ગયો હતો, જે અત્યંત જોખમી છે.
શાળાઓ બંધ કરવા અને બાંધકામ પર પ્રતિબંધ મૂકવા માંગ ઉઠી
ગંભીર શ્રેણીમાં AQI પંજાબી બાગ વિસ્તારની આસપાસ ૪૩૯, આનંદ વિહારમાં ૪૨૦, બાવાનામાં ૪૩૮, બુરાડીમાં ૪૧૪, જહાંગીરપુરીમાં ૪૫૧ અને વઝીરપુરમાં ૪૭૭ નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત, અલીપુરમાં ૩૬૬, ચાંદની ચોકમાં ૪૧૮, ITO માં ૪૦૦, દ્વારકામાં ૪૧૧ અને નરેલામાં ૩૯૨ AQI નોંધાયું હતું.
આ દરમિયાન દિલ્હીને અડીને આવેલા નોઈડા સેક્ટર-૬૨માં ૩૪૮, ગાઝિયાબાદમાં વસુંધરા, ૪૩૦, ઈન્દિરાપુરમમાં ૪૨૮ અને ગુરુગ્રામ સેક્ટર-૫૧માં ૩૪૨ નોંધાયું હતું. બુધવારે દિલ્હીની હવાની ગુણવત્તા “ગંભીર” શ્રેણીની નજીક પહોંચી ગઈ હતી, જેમાં શહેરનો સરેરાશ AQI વધીને ૩૯૨ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, CPCB ધોરણો મુજબ, ૦-૫૦ વચ્ચે AQI સારું, ૫૧-૧૦૦ સંતોષકારક, ૧૦૧-૨૦૦ મધ્યમ, ૨૦૧-૩૦૦ ખરાબ, ૩૦૧-૪૦૦ ખૂબ જ ખરાબ અને ૪૦૧-૫૦૦ ગંભીર ગણાય છે. દિલ્હીનો સરેરાશ AQI વધીને ૩૯૨ થયો હતો. પ્રદૂષણની આ વિકટ સ્થિતિને કારણે શાળાઓ બંધ કરવી અને બાંધકામ પર પ્રતિબંધ મૂકવા જેવા કડક પગલાં લેવાની માંગ ઉઠી છે.