Last Updated on by Sampurna Samachar
તે અવાર નવાર હોસ્ટેલમાં ફાવતું નથી તેમ કહ્યા કરતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
તલોદ ખાતે આવેલી એક હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા ડાંગ જિલ્લાના હિંદડા ગામના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લાના હિંદડા ગામના વિજયભાઈ ચૌધરીના ૧૭ વર્ષીય પુત્રએ તલોદ પાસેના ઘડી ગામ ખાતે આવેલી આશીર્વાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિગમાં GNM નર્સિંગમાં એડમીશન લીધું હતું અને તલોદ ખાતે આવેલા પાટીદાર બોર્ડિંગમાં રહેતો હતો પણ તેને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરવાનું ફાવતું ન હતુ.
હોસ્ટેલમાં ફાવતું નથી તેથી અભ્યાસ છોડવાનું વારંવાર કહેતો હતો. જેના કુટુંબીજનો વતનથી દૂર હોઇ હોસ્ટેલમાં રહીને જ અભ્યાસ કરવાનું કહેતા હતા. જેના લીધે તે કોઈને કંઈ કહેતો ન હતો અને મનમાં ને મનમાં મૂંઝાતો હતો. દરમિયાન એક દિવસ સાંજના સુમારે અચાનક હોસ્ટેલ ખાતે રૂમમાં જ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતુ.
આ ઘટનાની જાણ આજુબાજુ રૂમમાં રહેતા વિદ્યાર્થીઓને થતાં હોસ્ટેલના વિદ્યાર્થીઓ એકત્ર થઇ ગયા હતા અને હોસ્ટેલના સંચાલકને જાણ કરી હતી. જોકે તલોદ પોલીસે ઘટના સ્થળે જઇ મૃતકની લાશનું પીએમ તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કરાવી મૃતદેહને કુટુંબીજનોને સોંપ્યો હતો. જે અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.