Last Updated on by Sampurna Samachar
સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો
પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાયબરેલીમાં, ટોળાએ એક દલિત યુવાનને ચોર સમજીને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હાલમાં, પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જોકે, આ ઘટનાએ હવે રાજકીય તોફાન મચાવ્યું છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મૃતકના પરિવાર સાથે ફોન પર વાત કરી અને પરિસ્થિતિની માહિતી મેળવી હતી. તેમણે પીડિત પરિવારને શક્ય તમામ મદદ કરવાની પણ ખાતરી આપી છે.
કોંગ્રેસ સમિતિના મીડિયા અને પ્રચાર વિભાગના વડા પવન ખેરાએ જણાવ્યું હતું કે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ દલિત યુવકના પિતા અને ભાઈ સાથે વાત કરી છે અને આ અસહ્ય દુ:ખની ઘડીમાં તેમની સાથે ઉભા છે. જણાવી દઈએ કે, રાહુલ ગાંધી હાલમાં દક્ષિણ અમેરિકાના ચાર દેશોના પ્રવાસ પર છે.
આ દુર્ઘટના રાહુલજીને ખૂબ જ આઘાત આપનારી
ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં ખેરાએ કહ્યું કે, આ ભયાનક લિંચિંગ હૃદયદ્રાવક અને ગુસ્સે કરનાર બંને છે. તેમણે વધુમાં કહ્યું કે, “તેમની અંતિમ ક્ષણોમાં, લાકડીઓ અને બેલ્ટથી ર્નિદયતાથી માર મારવામાં આવી રહ્યો હતો, ત્યારે મૃતક યુવાન પોતાની છેલ્લી આશા: રાહુલ ગાંધીને યાદ કરી રહ્યો હતો.”
પવન ખેરાએ કહ્યું કે, “આ દુર્ઘટના રાહુલજીને ખૂબ જ આઘાત આપનારી છે, જેઓ સંસદમાં રાયબરેલીનું પ્રતિનિધિત્વ કરે છે અને અહીંના લોકોને પોતાનો પરિવાર માને છે. તેમણે વ્યક્તિગત રીતે મૃતકના પિતા અને ભાઈ સાથે વાત કરી છે અને આ અસહ્ય દુ:ખની ઘડીમાં તેમની સાથે સંપૂર્ણ રીતે ઉભા છે.”
પોલીસે જણાવ્યું કે, માનસિક રીતે અસ્વસ્થ હરિઓમ, ઉંચાહારના દાંડેપુર જમુનાપુરમાં તેના સાસરિયાના ઘરે જઈ રહ્યો હતો, ત્યારે એક ટોળાએ તેને ઘેરી લીધો હતો. તેના પર ચોરી માટે ઘરોને નિશાન બનાવવા માટે ડ્રોનનો ઉપયોગ કરતી ગેંગનો સભ્ય માની લીધો હતો. ગુસ્સે ભરાયેલા ટોળાએ તેને બેલ્ટ અને લાકડીઓથી માર માર્યો, જેના કારણે તેની હાલત બગડી ગઈ હતી. ત્યારબાદ થોડી વારમાં જ તેનું મૃત્યુ થયું હતું. તે પહેલા તે રાહુલ ગાંધીનું નામ લઈ રહ્યો હતો. જાેકે, મારનારા લોકો સામે કહી રહ્યા હતા કે, અહીંયા બધા બાબા વાળા લોકો છે.
વાયરલ વીડિયોમાં, કોઈ યુવાનના ગળા પર પગ મુકતા જાેઈ શકાય છે, જ્યારે અન્ય લોકો તેને થપ્પડ અને લાકડીઓથી મારતા હતા. આ બાદ, તે બેભાન થઈ જાય છે અને આખરે તે મૃત્યુ પામે છે. ઘટનાનો વીડિયો વાયરલ થયા પછી, સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો, જેના કારણે પોલીસની બેદરકારીનો આરોપ લાગ્યો હતો.
આ બાદ, મૃતકના પિતા ગંગાદીનની ફરિયાદના આધારે ફરિયાદ નોંધવામાં આવી હતી. આરોપી વૈભવ સિંહ, વિપિન કુમાર, વિજય મૌર્ય, સુરેશ કુમાર અને સહદેવની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. આ ઘટનામાં સંડોવાયેલા બાકીના વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે. આ કેસમાં ઉંચાહાર કોટવાલ સંજય કુમાર સિંહ અને હલ્કા ઇન્ચાર્જ કમલ સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપ સિંહ, અભિષેક અને શૈલેન્દ્ર પ્રતાપ સિંહને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.