Last Updated on by Sampurna Samachar
બાળકને શાળામાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી
વિદ્યાર્થીના પેન્ટમાં વીંછી નાખ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
હિમાચલ પ્રદેશની એક સરકારી શાળામાં દલિત વિદ્યાર્થી પર અત્યાચારનો મામલો સામે આવ્યો છે, જેમાં આચાર્ય સહિત ત્રણ શિક્ષકો પર બાળકને માર મારવા અને તેના પેન્ટમાં વીંછી નાખવાનો આરોપ છે. શિક્ષકોએ આ મામલો ગુપ્ત રાખવા માટે વિદ્યાર્થી અને તેના પિતાને ધમકી પણ આપી હતી.

શિમલા જિલ્લાના રોહડૂના ખડાપાની વિસ્તારની સરકારી પ્રાથમિક શાળામાં આ ઘટના બની છે. શાળાના ધોરણ-૧ના ૮ વર્ષીય દલિત બાળકના પિતાએ આચાર્ય દેવેન્દ્ર અને શિક્ષકો બાબુ રામ તથા ક્રિતિકા ઠાકુર વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે, જેમાં તેઓ લગભગ એક વર્ષથી તેમના પુત્રને માર મારતા હોવાનો આરોપ છે. ફરિયાદીએ જણાવ્યું કે સતત માર મારવાથી બાળકના કાનમાંથી લોહી નીકળ્યું અને કાનનો પડદો ક્ષતિગ્રસ્ત થયો. વધુમાં, શિક્ષકો બાળકને શૌચાલયમાં લઈ જઈને તેના પેન્ટમાં વીંછી નાખી દીધો હતો.
ભોજન દરમિયાન નેપાળી અને દલિત વિદ્યાર્થીઓને અલગ બેસાડાતા
ફરિયાદ મળ્યા બાદ પોલીસે શિક્ષકો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૨૭(૨) (ખોટી રીતે બંધક બનાવવો), ૧૧૫(૨) (ઇરાદાપૂર્વક ઈજા પહોંચાડવી), ૩૫૧(૨) (ગુનાહિત ધમકી), ૩(૫) (સમાન ઇરાદાથી ગુનાહિત કૃત્ય કરવું) અને કિશોર ન્યાય અધિનિયમ હેઠળ બાળક પ્રત્યે ક્રૂરતાનો કેસ દાખલ કર્યો છે. શિક્ષકો પર અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની કલમો હેઠળ પણ આરોપ લગાવવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે આ તપાસ કોઈ રાજપત્રિત અધિકારી દ્વારા કરાવવામાં આવે તે માટે વરિષ્ઠ અધિકારીઓને નિર્દેશ મોકલવામાં આવી રહ્યો છે.
પીડિત વિદ્યાર્થીના પિતાના જણાવ્યા અનુસાર, શિક્ષકોએ બાળકને એવું કહીને ધમકાવ્યો હતો કે જાે તે ઘરે ફરિયાદ કરશે તો તેની ધરપકડ કરાવી દેવામાં આવશે. તેમણે જણાવ્યું કે ૩૦ ઓક્ટોબરના રોજ આચાર્યએ કથિત રીતે બાળકને શાળામાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું કે જો આ મામલો સાર્વજનિક કરવામાં આવ્યો તો ફરિયાદીના પરિવારને ગંભીર પરિણામો ભોગવવા પડશે અને તેમને એવું કહીને ધમકાવ્યા કે અમે તમને સળગાવી દઈશું.
બાળકના પિતાને પણ ચેતવણી આપવામાં આવી હતી કે તેઓ પોલીસમાં ફરિયાદ ન નોંધાવે અને સોશિયલ મીડિયા પર ઘટના વિશે પોસ્ટ ન કરે, નહીં તો તેમને પોતાના જીવથી હાથ ધોવા પડશે. ફરિયાદીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે ક્રિતિકા ઠાકુરના પતિ નીતીશ ઠાકુર છેલ્લા એક વર્ષથી તેમની જગ્યાએ ગેરકાયદેસર રીતે શાળામાં વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. તેમણે શાળાના શિક્ષકો પર જાતિગત ભેદભાવનો પણ આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ભોજન દરમિયાન નેપાળી અને દલિત વિદ્યાર્થીઓને રાજપૂત વિદ્યાર્થીઓથી અલગ બેસાડવામાં આવતા હતા.