Last Updated on by Sampurna Samachar
સોશિયલ મીડિયામાં મૃતકના પરિવાજનોની ઓળખ થઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દાહોદ જિલ્લામાં થોડા દિવસ પહેલા દેવગઢ બારીયા તાલુકાના સાગટાળા ગામે એક અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઘટના મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જેમાં સોશિયલ મીડિયામાં મૃતકના પરિવાજનોની ઓળખ થતાં પોલીસે સમગ્ર મામલે પૂછપરછ કરતાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા હતા. જેમાં મૃતકની પ્રેમીકાએ અન્ય પ્રેમીને સાથે મળીને મોતનો ખુની ખેલ ખેલ્યો હોવાનો ખુલાસો થયો હતો. સમગ્ર બનાવને પગલે પોલીસે મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, દાહોદના સાગટાળા ગામે મળી આવેલા મૃતદેહને મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ કરતાં મૃતકનું નામ રાજેશ માનસિંહ બારીયા હોવાનું સામે આવ્યું હતું. પરિવારે જણાવ્યું હતું કે, મૃતકને મનિષા બારીયા નામની પડોશી મહિલા સાથે પ્રેમ સંબંધ હતા. જ્યારે મનિષાને રાજુ ગવાણા નામના અન્ય પુરુષ સાથે પણ પ્રેમ સંબંધ હોવાથી મનિષાને લઈને બંને પ્રેમી વચ્ચે અવાર-નવાર ઝઘડો થતો હતો. જેને લઈને મૃતકના પત્નીએ મનિષા અને રાજુ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી.
સમગ્ર ઘટના મામલે સાગટાળા પોલીસે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, મૃતકની પ્રેમીકા મનિષા, રાજુ અને તેના સાળા હિતેશ પટેલે ૨૨ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ રાજેશને મનિષાના ઘરે બોલાવ્યો હતો અને કાવતરું ઘડીને રાજેશનું ગળુ દબાવીને હત્યા કરી હતી. આ પછી ત્રણેય આરોપીઓ રાજેશના મૃતદેહને કાર મારફતે શારદા ગામે ફેંકી આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી, જ્યારે કાર અને મોબાઈલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.