ગાંધીનગર SOG ટીમે ૩૫,૭૫૦નો મુદ્દામાલ કબજે કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગરમાં દારૂ અને ગાંજા જેવી માદક વસ્તુઓનો પ્રવેશ રોકવા પોલીસના સઘન પ્રયાસો છતાં યુવા ધન નશાના રવાડે ચડી રહ્યું છે. ખાળે ડૂચા અને દરવાજા મોકળા જેવી સ્થિતિમાં નશાનો ગોરખધંધો રોકવા પોલીસ સતત દોડી રહી છે. ગાંધીનગર SOG ટીમે દહેગામમાં ઘડિયાળની દુકાનમાં ગાંજાનું વેચાણ કરતાં બે સગા ભાઈઓની ધરપકડ કરી છે.
ગુજરાત સરકારના નશામુક્ત ભારત અભિયાનને સફળ બનાવવા રેન્જ IG વિરેન્દ્રસિંહ યાદવ તથા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ આપેલી સૂચના અન્વયે SOG PI વી.ડી. વાળા અને તેમની ટીમે ચાર્ટર મુજબ કામગીરી હાથ ધરી હતી. પેટ્રોલિંગની સાથે બાતમીદારોને સક્રિય કરતાં પોલીસને દહેગામ ખાતે આવેલા સરદાર શોપિંગ સેન્ટરમાં ગાંજાના વેચાણ અંગે બાતમી મળી હતી. અશોક વોચ કંપની નામની દુકાનમાં અજીતકુમાર બચુભાઈ ચૌહાણ તથા રણજીતકુમાર બચુભાઈ ચૌહાણ ઘડિયાળના વેપાર સાથે ગાંજાનો જથ્થો રાખતા હોવાની માહિતી મળતાં પોલીસે ખરાઈ હતી. બે સગા ભાઈઓ દુકાનમાં ગાંજો વેચતા હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાતા SOG ની ટીમે દુકાનને કોર્ડન કરી ધી હતી. દુકાનમાં પાછળના ભાગ નાના રૂમમાં મીણિયાની કોથળીમાં લીલાશ પડતા ભૂખરા રંગનો વનસ્પતિજન્ય પદાર્થ મળી આવ્યો હતો. તેમાંથી ગાંજા જેવી વાસ આવતી હતી. જેથી પોલીસે સાયન્ટિફિક ઓફિસર પાસે પરીક્ષણ કરાવ્યું હતું. જેમાં પ્રાથમિક દૃષ્ટિએ ગાંજો હોવાનું જણાયુ હતું. પોલીસે ૮૯૬ ગ્રામ ગાંજો, બે મોબાઈલ અને ચલમ સહિત કુલ રૂ.૩૫,૭૫૦નો મુદ્દામાલ કબજે કરી અજીત તથા રણજીત સામે ગુનો દાખલ કર્યો હતો.