Last Updated on by Sampurna Samachar
દ્વારકા-જામનગર સહિતના જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું
પવનની ગતિ વધવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, ગુજરાતના માથે ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠાનું જોખમ ઊભું થયું છે. ૭ એપ્રિલના રોજ રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છથી લઈને ઉત્તર અને પૂર્વ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.

આ દરમિયાન વાતાવરણમાં મોટો પલટો આવશે અને પવનની ગતિમાં પણ ભારે વધારો જોવા મળશે. આ પ્રતિકૂળ સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને આજે અને આવતીકાલે દરિયામાં ન જવાની કડક ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ, માવઠાની આ આગાહીને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કેમ કે ખેતરમાં તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડવાની ભીતિ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૭ એપ્રિલના રોજ રાજ્યના અલગ-અલગ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દ્વારકા અને જામનગરમાં માવઠાની સૌથી મોટી શક્યતા છે.ઉત્તર અને પૂર્વ ગુજરાત: બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, તેમજ દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે.
માત્ર વરસાદ જ નહીં, પણ પવન પણ આ વખતે મુશ્કેલી વધારશે. હવામાન વિભાગના મતે, આવતીકાલથી પવન ફૂંકાવાની તીવ્રતામાં ઘણો વધારો થશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધુ રહેવાની હોવાથી સુરક્ષાના ભાગરૂપે માછીમારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે માછીમારો કોઈપણ સંજોગોમાં દરિયો ન ખેડે.
એક તરફ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને બીજી તરફ કમોસમી વરસાદના આ નવા રાઉન્ડની આગાહીથી જગતનો તાત ટેન્શનમાં આવી ગયો છે. અત્યારે ખેતરોમાં ઘણા પાક તૈયાર થઈ ગયા છે અથવા લણણીના તબક્કે છે. જો ૭ એપ્રિલે આગાહી મુજબ માવઠું પડશે, તો આ તૈયાર પાકને ભારે નુકસાન પહોંચી શકે છે, જેના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડવાની ભીતિ છે.