Last Updated on by Sampurna Samachar
આરોપીના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના અંદાજે ૩.૮૦ કરોડ જમા
મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દિલ્હી અને તેલંગણામાં ફ્રોડ કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચોકબજાર પોલીસ દ્વારા સાયબર ગુનેગારને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસને મળેલ બાતમીના આધારે કાર્યવાહી કરીને આરોપી શૈવિન પુંભડિયાની ધરપકડ કરી છે. આ આરોપી સાયબર ગુનેગારોને પોતાના નામે અલગ-અલગ બેંક એકાઉન્ટ ખોલાવીને ભાડે આપતો હતો. આ એકાઉન્ટ્સનો ઉપયોગ છેતરપિંડીથી મેળવેલા નાણાં ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવતો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના અંદાજે ૩.૮૦ કરોડ જમા થયા હતા. આ નાણાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દિલ્હી અને તેલંગણા જેવા રાજ્યોમાં આચરેલા સાયબર ફ્રોડના હતા. તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે શૈવિન એક વર્ષ પહેલા નવી દિલ્હી સાયબર સેલ દ્વારા પણ પકડાયો હતો, પરંતુ તે ફરીથી આ ગુનાહિત પ્રવૃત્તિમાં સક્રિય થયો હતો.
આરોપી વિરુદ્ધ પાંચ હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું
હાલમાં ચોકબજાર પોલીસે આ શખ્સની અટકાયત કરી છે અને મધ્યપ્રદેશમાં તેની સામે નોંધાયેલા ગુનાઓને ધ્યાનમાં રાખીને તેનો કબજો મધ્યપ્રદેશ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ ધરપકડથી સાયબર ફ્રોડના નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સાગરીતો સુધી પહોંચવામાં પોલીસને મોટી મદદ મળશે.