Last Updated on by Sampurna Samachar
સોફ્ટવેર એન્જિનિયરને છ માસ સુધી કરી ડિજીટલ અરેસ્ટ
બેંગલુરુ પોલીસે ફરિયાદ આધારે તપાસ આદરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બેંગ્લુરુમાં ૫૭ વર્ષની એક સોફ્ટવેર એન્જિનિયર મહિલાને ૬ માસ સુધી ડિજિટલ અરેસ્ટ કરીને સાઈબર ગુનેગારોના એક ગ્રુપે ૩૨ કરોડ રૂપિયા તફડાવી લીધા હતા. સાઈબર ગુનેગારોએ પોતાની ઓળખ સીબીઆઈ અધિકારીઓના રૂપમાં આપી હતી.

બેંગ્લુરુની ૫૭ વર્ષની મહિલાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ગત વર્ષે મહિલા સાથે ૩૨ કરોડનો સાઈબર ફ્રોડ થયો હતો. સોફ્ટવેર એન્જિનિયર મહિલાને સીબીઆઈ અધિકારીઓના રૂપમાં પોતાની ઓળખ આપીને સાઈબર ગુનેગારોએ વિવિધ ધમકી આપી હતી. મહિલાને છ-છ મહિના સુધી વીડિયો કોલના માધ્યમથી ડિજિટલ અરેસ્ટ રાખી હતી.
ડિજિટલ અરેસ્ટના નામે છેતરપિંડી થઈ
મહિલાને સતત કહેવાયું કે તે જો સીબીઆઈની તપાસમાં સહયોગ નહીં આપે તો તેના દીકરા સહિત પરિવારના સભ્યો પર ગુનો દાખલ કરવામાં આવશે.છ-છ મહિના ડિજિટલ અરેસ્ટ રહેલી મહિલાએ તેમની બધી જ બેંકની વિગતો આપી દીધી હતી. એ પછી સીબીઆઈ અધિકારીઓના સ્વાંગમાં સાઈબર ગુનેગારોએ એક-બે નહીં, ૧૮૭ ટ્રાન્ઝેક્શન્સ કર્યા હતા. આ તમામ ટ્રાન્ઝેક્શન્સમાં ૩૧.૮૩ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી.
છ મહિના સુધી ડિજિટલ અરેસ્ટ રહેલી મહિલાને આખરે આટલી છેતરપિંડી પછી સીબીઆઈ અધિકારીઓના સ્વાંગમાં રહેલા સાઈબર ગુનેગારોએ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપી દીધું હતું. પછીથી મહિલાને પોતાની ભૂલ સમજાઈ હતી કે તેની સાથે ડિજિટલ અરેસ્ટના નામે છેતરપિંડી થઈ છે. મહિલાએ કરેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.