TDS મુદ્દે ગ્રાહક અને બેંક મેનેજર વચ્ચે થઇ હતી બોલાચાલી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના વસ્ત્રાપુરમાં માનસી સર્કલ પાસે આવેલી યુનિયન બેંકની પ્રેમચંદનગર શાખામાં TDS મુદ્દે ગ્રાહક અને બેંક મેનેજર વચ્ચે બબાલ થઈ હતી. જેમાં જૈમન રાવલના નામના ગ્રાહકે બેંકના બ્રાન્ચ મેનેજર સૌરભ સિંઘ અને લાઈફ ઇન્સ્યોરન્સના કર્મચારી શુભમ જૈન વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી. જેમાં બેંક મેનેજર સહિતના કર્મચારીએ ગ્રાહકે હુમલો કર્યો હોવાની જણાવ્યું હતું.
યુનિયન બેંકની પ્રેમચંદનગર શાખાના બેંકના બ્રાન્ચ મેનેજર સૌરભ સિંઘે ગ્રાહક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ મુજબ, બોડકદેવના રહેવાસી જૈમન રાવલ તેમની ફિક્સ ડિપોઝિટના વ્યાજ પર TDS કપાત વિશે પૂછપરછ કરવા બેંકમાં આવ્યા હતા. જ્યારે રિફંડ પ્રક્રિયા વિશે વિગતવાર સમજાવવામાં આવ્યા છતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા.
આ દરમિયાન જૈમને તેમના નાણાંનો બેંક દ્વારા દૂરઉપયોગ કરાયાનો આરોપ લગાવ્યો હતો. ઉશ્કેરાયેલા જૈમને બેંક મેનેજરનું આઈડી કાર્ડ ખેંચી લીધું હતું અને શર્ટ પણ ફાડી નાખ્યો હતો. આ દરમિયાન લાઈફ ઇન્સ્યોરન્સના કર્મચારી શુભમ જૈન વચ્ચે પડ્યા હતા તો ગ્રાહકે તેમને પણ થપ્પડ માર્યો હતો. સમગ્ર મામલે બેંક મેનેજરે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જેમાં વસ્ત્રાપુર પોલીસે જૈમન રાવલ વિરુદ્ધ ફરજમાં રૂકાવટ, મૌખિક દુર્વ્યવહાર અને શારીરિક હુમલો કરવા બદલ ફરિયાદ નોંધીને આરોપીને ધરપકડ કરી લેવામાં આવી છે.