Last Updated on by Sampurna Samachar
બિટકોઈન ૧.૨૩ લાખ ડોલર સાથે ફરી ઑલ ટાઈમ હાઈ
છેલ્લા એક વર્ષમાં બિટકોઈનની કિંમત બમણાથી વધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વૈશ્વિક સ્તરે આર્થિક અને જિઓ-પોલિટિકલ અનિશ્ચિતતાઓ વચ્ચે ક્રિપ્ટો માર્કેટ તેજીમાં છે. તેમાં પણ વિશ્વની ટોચની ક્રિપ્ટો કરન્સી બિટકોઈન એક પછી એક પોતાના તમામ રેકોર્ડ તોડી સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. બિટકોઈનનો ભાવ ફરી ૧.૨૩ લાખ કરોડ ડોલરની નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. ભારતીય રોકાણકારે એક બિટકોઈન ખરીદવા માટે રૂ. ૧.૦૫ કરોડ ખર્ચ કરવા પડશે.
સંસ્થાકીય રોકાણકારોની અવિરત ખરીદીના કારણે બિટકોઈન આજે ૪ ટકાથી વધુ ઉછળી ૧૨૩૦૯૧.૬૧ ડોલરની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. જે ૩.૨૪ વાગ્યે ૧૨૨૦૩૮.૧૨ ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. ચાલુ કેલેન્ડર વર્ષમાં ૧૯ ટકા ઉછાળો નોંધાવ્યો છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં બિટકોઈનની કિંમત બમણાથી વધી છે. જે ૬૦૭૮૭ ડોલર સામે ૧૦૨ ટકા વધ્યો છે.
બિટકોઈન ETF માં ૫૦ અબજ ડોલરથી વધુ રોકાણ
ક્રિપ્ટો માર્કેટમાં ટેક્નિકલી સેન્ટિમેન્ટ બુલિશ હોવાથી વોલ્યૂમ અનેકગણા વધ્યા છે. ૨૧૦.૮ અબજ ડોલરના વોલ્યૂમ નોંધાવાની સાથે ક્રિપ્ટો માર્કેટ કેપ ૬૬ હજાર કરોડ વધી હતી. આ સાથે માર્કેટ કેપ ૩.૮૧ લાખ કરોડ ડોલરની સપાટીએ પહોંચી છે. કોઈન માર્કેટકેપ અનુસાર, વિશ્વમાં હાલ ૧૮.૪૯ મિલિયન ક્રિપ્ટો કરન્સી લિસ્ટેડ છે. જેમાં બિટકોઈન ઉપરાંત ઈથેરિયમ, એક્સઆરપી, સોલાના, બીએનબી, ડોઝકોઈન સહિતની ક્રિપ્ટો કરન્સીમાં પણ સાપ્તાહિક ૩૦ ટકા સુધીનો ઉછાળો નોંધાયો છે.
ક્રિપ્ટો માર્કેટ નિષ્ણાતો અનુસાર, ટ્રમ્પના ટ્રેડ વૉર, જિઓ-પોલિટિકલ ટેન્શનના કારણે વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચતતા સર્જાઈ છે. જેના લીધે સ્ટોક માર્કેટ ક્રૂડ, બોન્ડ, ફોરેક્સ માર્કેટમાં વોલ્યૂમ ઘટ્યા છે. બીજી તરફ ક્રિપ્ટોમાં રોકાણ વધ્યું છે. સંસ્થાકીય રોકાણકારોએ બિટકોઈન ETF માં ૫૦ અબજ ડોલરથી વધુ રોકાણ કર્યું છે.
બિટકોઈન હવે માત્ર ટ્રેડિંગ ટુલ નહીં, પણ રોકાણનું માધ્યમ બન્યો છે. વધુમાં ટ્રમ્પની ક્રિપ્ટો કરન્સીની તરફેણમાં નીતિઓ ક્રિપ્ટોને લીગલ ટેન્ડર બનાવવાનો માર્ગ મોકળો કર્યો છે. નોંધનીય છે, ટ્રમ્પે બિટકોઈન રિઝર્વ સ્કીમ અને બિટકોઈન ઈટીએફ ETF પોલિસીનું સરળીકરણ કર્યું છે.