Last Updated on by Sampurna Samachar
આ સેવા છેલ્લા ચારેક મહિનાથી બંધ હતી
જન્માષ્ટમીની પ્રથમવાર ક્રૂઝ પર ઉજવણી કરવામાં આવશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં રિવરફ્રન્ટ પર નાગરિકો માટે મોટા ઉપાડે સી પ્લેન, હેલિકોપ્ટર રાઈડ, ક્રૂઝ અને કાયાકિંગ જેવા પ્રોજેક્ટ શરૂ કરાયા હતાં. પરંતુ આ પ્રોજેકટમાંથી હાલમાં એકપણ પ્રોજેક્ટ ચાલુ નથી. પાંચ મોટા પ્રોજેક્ટનું બાળ મરણ થયું હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે રિવરફ્રન્ટ પર ફરીવાર ક્રૂઝ સેવા શરૂ કરવામાં આવી છે. હવે સહેલાણીઓ ક્રૂઝની મજા માણી શકશે.
અમદાવાદના રિવરફ્રન્ટ પર મોટા પાયે શરૂ કરાયેલા પ્રોજેક્ટોનું બાળ મરણ થયું હોવાના વિપક્ષના આક્ષેપ બાદ તાત્કાલિક ક્રૂઝ સેવા શરૂ કરી દેવામાં આવી છે. ચાર મહિનાના વિરામ બાદ હવે ફરીવાર ક્રૂઝ સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા માટે ઓનલાઈન બુકિંગની સવિધા શરૂ કરાઈ છે. જન્માષ્ટમીની પ્રથમવાર ક્રૂઝ પર ઉજવણી કરવામાં આવશે. જન્માષ્ટમી પર મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્રૂઝમાં રાત્રે ૧૧થી સવારે ચાર વાગ્યા સુધી કેફે સેવા શરૂ કરાઈ છે.
હવે અચાનક શરૂ કરી દેવામાં આવી
અમદાવાદના રિવરફ્રન્ટ પર સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ઝિપલાઇન, સી પ્લેન અને હેલિકોપ્ટર રાઈડ જેવા પ્રોજેક્ટ શરૂ કરાયા હતાં. જેને કેટલાક કારણોસર બંધ કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટમાં વર્ષ ૨૦૨૩માં સાબરમતી નદીમાં શરૂ કરવામાં આવેલી ક્રૂઝ સેવાનો પણ સમાવેશ કરાયો હતો. આ સેવા છેલ્લા ચારેક મહિનાથી બંધ હતી. જે હવે અચાનક શરૂ કરી દેવામાં આવી છે.