Last Updated on by Sampurna Samachar
ACC એ ગૃહ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્ર સરકારે જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના નવા ડિરેક્ટર જનરલ નિયુક્ત કર્યા છે. મોડી રાત્રે જારી કરાયેલા વિભાગીય આદેશ પ્રમાણે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પ્રસ્તાવને કેબિનેટની નિમણૂક સમિતિ (ACC)એ મંજૂરી આપી દીધી છે. આ આદેશ કર્મચારી અને તાલીમ વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યો હતો.
આદેશમાં લખ્યું છે કે, ACC એ ગૃહ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી છે જેમાં આસામ કેડરના ૧૯૯૧ બેચના IPS જીપી સિંહને CRPF ના નવા ડિરેક્ટર જનરલ નિયુક્ત કર્યા છે. જ્ઞાનેન્દ્ર સિંહ આ પહેલા આસામ પોલીસ પ્રમુખનું પદ સંભાળી રહ્યા હતા. હવે તેઓ CRPF ના પ્રમુખ તરીકે સેવા આપશે. તેઓ ૩૧ જાન્યુઆરી ૨૦૨૭ના રોજ નિવૃત્ત થશે. ડીજી જીપી સિંહ અગાઉ સ્પેશિયલ સિક્યુરિટી ગ્રુપ અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી જેવા મહત્વપૂર્ણ પદો પર સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે આસામ પોલીસમાં ઘણા વરિષ્ઠ પદો પર પણ કામ કર્યું છે.
તમને જણાવી દઈએ કે, ગત મહિને ગૃહ મંત્રાલયએ ૧૯૯૩ બેચના IPS અધિકારી વિતુલ કુમારને CRPF ના DG નો વધારાનો હવાલો સોંપ્યો હતો. તત્કાલીન ડીજી અનિશ દયાલ સિંહ ૩૧ ડિસેમ્બરે નિવૃત્ત થઈ ગયા હતા. CRPF લગભગ ૩૦૦,૦૦૦ જવાનો સાથે ભારતનું સૌથી મોટું અર્ધલશ્કરી દળ છે. આ દળ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભિયાન, ઉત્તર-પૂર્વમાં ઉગ્રવાદ વિરોધી અભિયાન અને લેફ્ટ-વિંગ ઉગ્રવાદ થી પ્રભાવિત રાજ્યોમાં નક્સલ વિરોધી અભિયાનોમાં સામેલ હોય છે.
આવનારું વર્ષ CRPF માટે મહત્વપૂર્ણ છે. છત્તીસગઢમાં નક્સલવાદીઓને ખતમ કરવાના કેન્દ્ર સરકારના પ્રયાસોમાં આ દળ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. માર્ચ ૨૦૨૬ સુધીમાં આ લક્ષ્ય હાંસલ કરવાનો ટાસ્ક છે. હાલમાં છત્તીસગઢમાં ૪૦,૦૦૦થી વધુ CRPF જવાનો તહેનાત છે.