Last Updated on by Sampurna Samachar
હજારો પરિક્રમાવાસીઓ પરિક્રમા કર્યા વગર પરત ફર્યા
ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વ્યવસ્થા કરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાલ નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાનો મહાઉત્સવ ચાલી રહ્યો છે. ત્યારે આ પરિક્રમામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા રસ્તાઓ બંધ કરી દેવાયા હતા. જેથી હજારો પરિક્રમાવાસીઓને પરિક્રમા કર્યા વિના પરત ફરવાનો વારો આવ્યો હતો. નર્મદા ઉતરવાહિની પરિક્રમામાં કીડીયારું ઉભરાયું છે. રજા હોવાના કારણે પરિક્રમા કરવા માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. રામપુરા કીડી મકોડી ઘાટ જવા માટે રાત્રિથી જ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. હજારો પરિક્રમાવાસીઓ પરિક્રમા કર્યા વગર પરત ફર્યા છે.
આ વર્ષે તંત્ર દ્વારા આગોતરી વ્યવસ્થાઓ સારી કરવામાં આવી છે. પરંતુ અચાનક પબ્લિક વધી જતા વ્યવસ્થાઓ ઓછી પડી હતી. તંત્ર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બસ સેવાની માંગ કરી છે. રેંગણ ઘાટ ખાતેથી પરિક્રમાવાસીઓને નદીની સામે પાર લઈ જવા માટે નાવડીઓ ઓછી પડી છે. તો બીજી તરફ, લોકો દ્વારા રસ્તા પર વાહનો પાર્ક કરી દેવામાં આવ્યા છે.
શ્રધ્ધાળુઓની ભીડ ઉમટતા બોટ ખૂટી પડી
ઉત્તરવાહીની પરિક્રમામાં જિલ્લા વહીવટીતંત્ર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર ખડેપગે છે. રેંગણ ઘાટ પર ભીડ વધી જતાં ભીડ ઓછી કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ૧૩ મિની બસ સેવામાં મૂકાઈ છે. હાલ રેંગણ ઘાટથી શ્રધ્ધાળોની બસ દ્વારા ભાદરવા ગામ સુધી લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર હાજર થયા છે.
ઉત્તરવાહીની પરિક્રમા રામપુરા, કીડીમકોડી ઘાટ, રણછોડરાયના મંદિરથી પ્રારંભ થઈને માંગરોળ, ગુવાર, શહેરાવ, તિલકવાડા ઘાટ, રેંગણ-વાસણ ગામ થઇને નર્મદા નદી બોટ મારફત પાર કરી પરત રામપુરા ઘાટ પર સ્નાન કરીને પરિક્રમા અંદાજે ૧૪ કિ.મી. પૂરી થાય છે. ચૈત્ર માસમાં ૨૯મી માર્ચ-૨૦૨૫ થી ૨૭મી એપ્રિલ-૨૦૨૫ સુધી એક મહિનો આ પરિક્રમા યોજાનાર છે. જેમાં હજારો લાખોની સંખ્યામાં ભાવિકો શ્રદ્ધાળુઓ આ પગપાળા પરિક્રમા કરે છે અને પરિક્રમાના રૂટમાં આવતા પ્રાચીન મંદિરો, આશ્રમોના દર્શન પ્રસાદનો લાભ લે છે.
પરિક્રમા વહેલી સવારથી શરૂ થાય છે અને રાત્રી દરમિયાન પણ પદયાત્રા ભાવિકો અનુકૂળ સમય પરિક્રમા કરી શકે છે. પરિક્રમાના સમગ્ર રૂટ ઉપર લાઈટ, પાણી, બેસવાની વ્યવસ્થા, ડોમ, ચાર ઘાટ પર બેરિકેટીંગ, સીસીટીવી કેમેરા, છાયડો, આરોગ્ય, પીવાના પાણીની સુવિધા, પોલીસ બંદોબસ્ત સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સેવા કેન્દ્રો, સ્ટોલ, ટોયલેટ સુવિધા સ્નાન માટે બાથરૂમ, ફુવારા વગેરે વ્યવસ્થા પણ ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂા.૩.૮૨ કરોડના ખર્ચે ઉભી કરવામાં આવી છે આકર્ષક કમાનવાળા ગેટ, સાઇન બોર્ડની સુવિધા ટૂંકમાં પદયાત્રીને ક્યાંક મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવાઇ છે.